5.4 - સત્ય જ જીવન છે, પણ જીવનનું સત્ય શું છે ? / જ્વલંત છાયા


બે સગી બહેનો હતી, સત્ય અને અસત્ય. બન્ને એક સાથે નદીમાં નહાવા ગઈ. અસત્ય ઉતાવળે નહાઈને બહાર નીકળી ગઈ, અને તેણે ઉતાવળમાં જ પેલાં સત્યના વસ્ત્રો પહેરી લીધાં. સત્ય નિરાંતે ન્હાઈને બહાર આવી ત્યારે તેનાં માટે પેલાં અસત્યના વસ્ત્રો પડ્યાં હતાં. તેણે તે જ પહેરવાં પડ્યાં. એ પછી સત્ય અને અસત્ય ક્યારેય એકબીજાને મળ્યાં નથી પરંતુ જયારે સત્ય આપણી સામે આવે ત્યારે અસત્યનાં વસ્ત્રોમાં આવે છે અને અસત્ય સત્યનાં વસ્ત્રોમાં આવે છે. સત્ય અને અસત્યની વાર્તા, તેમાં આવતો ટ્વિસ્ટ સમજાતાં વાર લાગશે. વાર્તા સમજવાની કોશિશ કરજો, સમજાય જાય તો ભયો ભયો, ન સમજાય તો ફરિયાદ ખલિલ જિબ્રાનને કરજો કેમ કે આ એ મનીષી, એ મહાપુરુષની વાર્તા છે અને ખલિલ જિબ્રાનને આમિરખાનની જેમ ટીઆરપીની ચિંતા નહોતી તેથી તે બધાં ખુશ થાય અને બધાને સમજાય જાય તેવી વાતો ન કરે તે સ્વાભાવિક છે !! આમ તો સત્ય સાથે આપણે ત્યાં અભિમા રીતે એક રાજા હરિશ્ચંદ્ર અને બીજા ગાંધીબાપુ જોડાયેલા છે, વચ્ચે તો આમિરખાને પણ સત્ય સાથે હસ્તધનૂન હતું. ‘સત્યમેવ જયતે’ શોનો એક એપિસોડ હીટ ગયો. એક યુવતી રડી, સામે આમિર રડ્યો અને લોકો પણ રડ્યા. અસર તો એટલી બધી થઈ કે દેશમાં અચાનક ભ્રૂણહત્યાના વિરોધીની આંધી ઊઠી. સુબ્હાન અલ્લાહ ! પરંતુ ઇચ્છીએ કે આ આંધી તરત શમી ન જાય. આ આખી ઘટના, કોઈ એક સિરિયલ કોઈ એક પ્રસંગને અતિક્રમીને વાત કરીએ તો સત્ય શું છે ? એ સવાલ આવે છે. સત્યમેવ જયતે, સત્ય હંમેશા જીતે છે ખરું પરંતુ સત્ય એટલે ? સત્યની વ્યાખ્યા ? સત્યનો અર્થ ? અસત્યનો અર્થ ?

મહાભારતના કર્ણપર્વના ૬૯માં અધ્યાયમાં કૃષ્ણ અર્જુનને સંબોધીને કહે છે, ‘સત્ય કરતાં બીજું કાંઈ ઉત્તમ નથી. પરંતુ સત્યનું યથાર્થસ્વરૂપ જાણવું કઠિન છે.’ કોઈ સ્થળે અસત્યને પણ સત્ય તરીકે ગણવું પડે, અને સત્યને અસત્ય ગણવું પડે છે. આથી જ વિવાહ સમયે, રતિ પ્રસંગે, કોઈ પ્રાણ જતો હોય ત્યારે સર્વધાન લૂંટાઈ જતું હોય ત્યારે તેમજ બ્રાહ્મણ માટે અસત્ય ભાષણ કરવું પડે, એ પાંચ અસત્યોને પાપરૂપ ગણાતા નથી. વળી જયારે આપણું સર્વસ્વ લૂંટાઈ જતું હોય ત્યારે અસત્ય બોલવું જોઈએ કારણક કે તેવે પ્રસંગે અસત્યનું પરિણામ સત્ય રૂપે અને સત્યનું પરિણામ અસત્ય રૂપે આવતું હોય છે.

વિશ્વભરના ચિંતકો, મહાન લોકો, ઋષીઓ, સંતો, ફકીરો, વૈજ્ઞાનિકોના કથન, લખાણોમાંથી ક્યાંક ને ક્યાંક તો આ સત્યનો રસ ટપકે જ છે. ગાંધીજીએ તો પોતાના જીવનની પોતે આલેખેલી વાતને જ નામ આપ્યું, સત્યના પ્રયોગો. પરંતુ તેમને નથી લાગતું કે જેમણે જેમણે સત્યની વાત કરી, તેનું આચરણ કર્યું તે તમામનું પોતપોતાનું સત્ય હોય ! સૂર્ય, ચંદ્ર, પર્વત એ બધું શાશ્વત અને સામાન્ય સત્ય પરંતુ તે સિવાય સત્ય ક્યારેય કોમન હોય શકે ? જ્યાંથી આપણે ત્યાં અનેક વસ્તુઓ સસ્તી આવે છે તે ચીનથી આવેલી એક કહેવતને ટાંકુ તો સત્ય ત્રણ પ્રકારના હોય છે, એક મારું એક તમારું અને ત્રીજું જે હોય છે તે !! ગાંધીજીનું સત્ય હિટલરનું સત્ય ન હોઈ શકે, હિટલર માટેનું સત્ય ગાંધીજી માટે ન હોઈ શકે, અર્થાત્ સત્ય તો એક જ હોય પરંતુ બે આયામ, બે સ્થળ, બે કાળ, બે પરિપ્રેક્ષ્યમાં તે બદલાઈ જાય. સત્ય માટેના અવતરણ (ક્વોટેશન્સ) હજારો છે. જીવનમાં સત્યનું અવતરણ થાય તે અગત્યનું છે.

આપણે સત્યને મોટેભાગે બોલવા, ઉચ્ચારવા કે આચરવા સાથે જોડી દઈએ છીએ. અન્ય પાસે એવી સતત અપેક્ષા કે તે સત્ય બોલે, આપણે ક્યારેક ન પણ બોલીએ !! પરંતુ સત્ય ફક્ત બોલવા માટેની વાત નથી તે આખરે આપણું હોવું છે. સત્ય અસ્તિત્વ સાથે જોડાયેલી સંકળાયેલી બાબત છે. એવો આગ્રહ સતત રખાય છે કે માણસે સાચું જ બોલવું, અને બને ત્યાં સુધી સાચું બોલવું. જીવનમાં કેટલું અસત્ય ચાલી શકે ? અરે સત્ય–અસત્ય કાંઈ ખાંડ–મીઠું છે કે સ્વાદ પ્રમાણે બે ચમચી–ત્રણ ચમચી ! પરંતુ સમય સંજોગ પર નિર્ભર છે કે તમે કેટલું સત્ય બોલી શકો છો !

જુવો અહીં આપણે કોઈ એસ્ક્યુઝ લેવા–આપવાની વાત નથી. અસત્ય બોલવું એ પાપ છે તે સ્વીકારીને જ આગળ ચાલીએ કે ક્યારેક આ સત્ય વિશેનું આ સત્ય ન છોડે તેના હાથ પછી ઈશ્વર છોડતો નથી પરંતુ તે બધું સમજવા કે જાણવા છતાં મોટું સત્ય એ છે કે સૌ કોઈ ક્યારેક ને ક્યારેક અસત્યનો આશ્રય લે છે. અને આપણે તેને પાપ, છળ, છિનાળું, દ્રૌહ જેવાં અનેક નામો આપીએ છીએ. અસત્યને ખપે જ કે આ અસત્ય પાછળનું સત્ય શું છે ? કોઈ વ્યક્તિ અસત્યનું આચરણ કે ઉચ્ચારણ કરે છે તો તે શા માટે કરે છે તે જાણવાથી શું થાય ? અસત્ય બોલનાર તો સુધરે કે ન સુધરે પરંતુ તે સાંભળનાર તો ચોક્કસ એક સત્ય સુધી પહોંચી શકશે.

બધા સત્ય જ બોલે તેવો આપણો આગ્રહ આપણી માન્યતા છે, હકીકતમાં તો આપણે એવું ઇચ્છતા હોઈએ છીએ કે જે આપણને અનુકૂળ અથવા આપણે જેને સત્ય માનીએ છીએ તે કોઈ બોલે કે કરે. આર એસ બ્લીથે તો બહુ સરસ વાત કરી છે, ‘સત્યની શોધ માટે નીકળી ન પડતા, ફક્ત અભિપ્રાયો આપતા અટકો’ સહી બાત હૈ, આપણું સત્ય આપણા અભિપ્રાય આધારિત હોય છે.

કોઈ પણ સંજોગમાં સત્ય જ બોલવું જોઈએ તેવું માનનારાઓએ ક્યા સંજોગમાં અસત્ય બોલાઈ રહ્યું છે તે જોવું જરૂરી છે. રથ એ નથી કે જુઠાણાને આપણે કન્સિડર કરીએ. જૂઠ આખરે જૂઠ છે પરંતુ તેનું કારણ કદાચ સાચું ઈ શકે ને ? ચોરી કરવી ગુનો છે, ચોર હોવું એ સંજોગ છે. એક અસત્ય સાચું અને બીજું ખોટું એમ ન હોય, કોઈ પણ અસત્ય યોગ્ય છે પરંતુ જે લોકો સત્યના જ ઉપાસકો છે તેમણે તો અસત્ય પાછળનું સત્ય પણ ચકાસવું જોઈએ. તે વગર તો પરિક્રમા અધૂરી. યુધિષ્ઠિરનું દ્રષ્ટાંત સાવ યાદવગું છે. કુરુક્ષેત્રમાં જયારે બૂમ પડી કે અશ્વત્થામા હણાયો ત્યારે દ્રૌણાચાર્યે યુધિષ્ઠિરને પૂછ્યું કે શું વાત છે ? અને યુધિષ્ઠિર સત્ય જાણતા હતા છતાં તેમણે કહ્યું ‘કદાચ માનવ, કાં તો પછી હાથી.’ આ અર્ધસત્ય, આ મધ્યમમાર્ગને લીધે યુધિષ્ઠિરનો રથ ડાઉન ટુ અર્થ થઈ ગયો. તેમને ખ્યાલ જ હતો કે તેઓ પોતાના ગુરુનો દ્રૌહ કરી રહ્યા છે. પણ તેઓ નિર્વિકલ્પ હતા.

તમામ લોકો ધર્મરાજ નથી હોતા પરંતુ દરેકના જીવનમાં આવી કોઈ ક્ષણ (ક્ષણ ઇઝ ઇકવલ ટુ તબક્કો) આવે કે ત્યારે તેણે જાણતાં પણ અસત્ય ઉચ્ચારવું, આચરવું પડે–ન ઇચ્છતા હોવા છતાં. અહીં નાનો એવો જવાબ છે કે સત્ય શું છે ? સત્ય, એ વસ્તુ નથી તે વાતાવરણ છે, તે હવામાન છે તે અસ્તિત્વ સાથે જોડાયેલું છે અને તેથી અહીં નાનો જવાબ મળે છે કે ફક્ત બોલાતું સત્ય જ નથી, પરંતુ જીવનમાં ક્યારેક સંજોગવશાત અસત્ય બોલવું પડે તે પણ સત્ય છે. જે જૂઠ બોલે છે તેના માટે તો તે અસત્ય જ છે પરંતુ તે વ્યક્તિ સિવાયના લોકોએ આ વાત સમજવી જોઈએ આ અસત્ય જ જે સમયે તેના માટે સત્ય હતું બીજું કાંઈ તે કરી શકે તેમ જ નહોતો. કર્મ બંધાય, પાપ ચડે રથ નીચે આવે તે બધું પછી પરંતુ તે ક્ષણે તો એ જ હતું અને આ મિથ્યા જગતમાં હે બંધુ, ક્ષણથી વિશેષ શાશ્વત બીજું શું છે ? આ ક્ષણે, એટ ધીસ મોમેન્ટ જે થઈ રહ્યું છે, કરવું પડે છે તે જ સત્ય છે.

સતત એવો આગ્રહ સેવાય છે કે સત્ય જ બોલો, લોકો આ વાત પર તો ગર્વ લે છે કે હું કોઈ દી ખોટું બોલું જ નહીં, અરે કોઈ ન બોલે બોલવું પડે ત્યારે શું ? સાવે સાવ સાચું બોલનાર અત્યારે ક્યાં મળે ? ઑફિસ, વેપાર, ઘર, સંબંધો આપણે અસત્ય વગર જ રહીએ તેવું ન બને. જે લોકો સત્યને જ જીવન માને છે તેમણે જીવનનું સત્ય પણ જાણી લેવું જોઈએ, ઘણી વાર માણસને કબૂલાત કરવાનું મન થાય પરંતુ હિમ્મત જોઈએ ને ? ડૉ. બશીર બદ્ર લખે, ‘જી બહુત ચાહતા હૈ સચ બોલે, મગર હોંસલા નહીં હોતા.’ કારણ કે જેમ સત્ય બોલવું જરૂરી છે તેમ તેને પચાવવું પણ જરૂરી છે. ઘણી વાર એક સત્ય સ્ફોટક નીવડી શકે ! સત્ય સાંભળનારની, સત્યની અપેક્ષા રાખનારનું પણ સ્તર હોવું જોઈએ. સત્ય બોલ્યા પછી બોલનાર વિચારે આના કરતાં ન બોલ્યા હોત તો કાંઈ નહોતું. આ પીડા કરતાં પેલું પાપ સારું હતું તેવું ન થવું જોઈએ, સત્ય અભય છે એટલે શું ? જે અભય હોય તે સત્ય બોલે એટલું જ નહીં, સત્ય બોલ્યા પછી પણ અભય રહી શકવો જોઈએ. સત્ય બોલાવીને સત્યને વારંવાર એનકેશ કરો તો સત્યનું મોલ ઘટે ભાઈઓ ઔર બહેનો !!

અહીં એવો અર્થ નથી કે લોકો આવી વાત કરીને અસત્ય બોલવા માંડે. પરંતુ ફક્ત ઉચ્ચારણ સાથે સત્ય સંકળાયેલું નથી. સત્યનું કોઈ પોસ્ટલ એડ્રેસ નથી. કોલંબસ ભારત આવવા નીકળ્યો હતો. તેને અમેરિકા મળ્યું તે સત્ય છે કે અસત્ય ? વિજ્ઞાન આજે પણ એવો દાવો ન કરી શકે કે આ જ અંતિમ સત્ય. એક સમયની ડાર્વિનની થિયરીને પડકાર થઈ ચૂક્યો છે. બ્લેકહોલ્સની ચંદ્રશેખર લિમિટ લિમિટેશન તેના અનુગામીઓએ બતાવી દીધાં છે, તે સમયે તે સત્ય હતું. આજે આ સત્ય છે. રાધેશ્યામ શર્માએ એક જગ્યાએ લખ્યું હતું, સત્ય વિભાવનામાં નહીં સ્વભાવમાં હોવાની શક્યતા વધારે છે. અને ક્યાં છે સત્ય ? તમે મોબાઇલ ફોન પર કોઈની સાથે વાત કરતાં કરતાં એમ કહો કે ક્યાં ગયો મારો મોબાઇલ ? હમણાં તો અહીં જ હતો. સત્યની શોધ પણ એવી જ વાત છે. આપણી ગફલત છે તેથી સત્ય આપણને આપણાથી અળગું લાગે છે.

સત્યના કાયદા તો છે જ, કહે છે કે સત્ય બોલ્યા પછી યાદ નથી રાખવું પડતું કે તમે શું બોલ્યા હતા. અરે વિજ્ઞાન એમ પણ કહે છે કે અસત્ય બોલનાર સ્ટ્રેસનો ભોગ બને છે. પણ સત્ય બોલવાથી દુશ્મનો વધે છે. રાજેશ રેડ્ડીના બે મસ્ત શેર પેશ છે, “દોસ્તોં કા ક્યા હૈ વો તો યું ભી મિલ જાતે હૈ મુફ્ત, રોજ એક સચ બોલ કર દુશ્મન કમાને ચાહિએ.” પરંતુ અહીં સત્ય જોઈએ કોને ? આમિર ટોક શોમાં કોને રસ છે ? અહીં તો અક્કલ વગરની સિરિયલો ચાલે, “તુમ હકીકત કો લિએ બૈઠે હો તો બૈઠે રહો, યે ઝમાના હૈ ઇસે હર દિન ફસાને ચાહિએ.”

જો કે અમીરના શોને તો આવકાર મળ્યો છે. પ્રથમ એપિસોડ તો અત્યંત અસરકારક રહ્યો છે. સવાલ એ છે કે આ અસર આયુર્વેદિક દવાની જેમ કાયમી રહેશે કે લઠ્ઠાની જેમ થોડાં દિવસોમાં ઊતરી જશે ! જયારે જયારે આવી કોઈ ટાઇમ બિઇંગ ક્રાંતિ થાય ત્યારે રજનીશના સંકલિત પુસ્તક ક્રાંતિબીજ પરનું વિધાન યાદ આવે છે, “ક્રાંતિબીજ મેં બો તો ગયા, દેખના તું કે બીજ કહીં બીજ ન રહે જાયે !”


0 comments


Leave comment