1 - ગઝલકારની પરિણત પ્રજ્ઞાની ફલશ્રુતિ / || ૐ || ||અથ શ્રીમદગઝલ || / ભગવતીકુમાર શર્મા


સુરત સુયોગ્ય રીતે ગુજરાતી ગઝલનું કાશી કે મક્કા ગણાય છે. અહીં સક્ષમ ગઝલકારની પેઢીઓ અતૂટ ક્રમથી આવતી જ રહી છે. માત્ર સંખ્યાની દૃષ્ટિએ નહિ, ગુણવત્તાની દૃષ્ટિએ પણ આ ગઝલકાર પેઢીઓ સશક્ત રહી છે. આવી કેટલીક પેઢીઓનો તો હું પણ સાક્ષી રહ્યો છું, મેં ગુજરાતી ગઝલમાં રસ લેવા માંડ્યો ત્યારે સુરતમાં અમીન આઝાદ, ગની દહીંવાળા, ‘મરીઝ’, રતિલાલ ‘અનિલ’ વગેરે પરંપરાવાદી ગઝલકારો સક્રિય હતાં. તે પછી જે પેઢી ઊભરી તેમાં મનહરલાલ ચોકસી, હું, કિસન સોસા વગેરેનો સમાવેશ થઇ શકે. અમારું પગલું દબાવતાકને નયન દેસાઈ, રવીન્દ્ર પારેખ, બકુલેશ દેસાઈ વગેરે ગઝલકારો આગળ આવ્યા. તે પછી ડૉ.મુકુલ ચોકસી અને ડૉ.રઈશ મનીઆરની પેઢીએ ગુજરાતી ગઝલની મશાલ, એલિમ્પીક્સની રિલે-દોડના ખેલાડીની જેમ પકડી લીધી.

સુરતની બીજી ખાસિયત એ રહી છે કે અહીંના ગઝલકારોને અંગત રસ લઈને નવા ગઝલકારો ઉછેર્યા છે. એવી જ ડૉ.રઈશ મનીઆરની અંગત રાહબરી હેઠળ, ગુરુ-શિષ્ય પરંપરાની જેમ ગઝલની સૂક્ષ્મ સમજણ કેળવતાં-કેળવતાં લગભગ બે દાયકાથી ગઝલસાધના કરનાર તે આ યુવા ગઝલકાર પંકજ વખારિયા. ઉપરાંત, અહીં જાહેર શિબિરમાં પણ સ્વ. મનહરલાલ ચોકસી, રવીન્દ્ર પારેખ, નયન દેસાઈ, બકુલેશ દેસાઈ વગેરે દ્વારા જે ગઝલ પ્રશિક્ષણ થયું એમાંથી એક સારી સશક્ત પેઢી તૈયાર થઇ, જેમાં કિરણકુમાર ચૌહાણ, પ્રમોદ અહિરે, મહેશ દાવડકર અને ધ્વનિલ પારેખ મોખરે છે. ટુકડે-ટુકડે છતાં અવિરત ચાલતી આ જ પ્રવૃત્તિથી એ પછી ગૌરાંગ ઠાકર, સુરેશ વિરાણી, ડૉ.હરીશ ઠક્કર, ડૉ.વિવેક ટેલર, ગુણવંત ઠક્કર જેવા નવાં-નવાં નામોના ઉમેરાથી આ પ્રવાહ હજી ચાલુ જ છે. એ પ્રતીત થાય છે. તેઓ બધા ગઝલસર્જન પ્રત્યે સક્રિય છે એ નોંધવા યોગ્ય છે. ભિન્ન-ભિન્ન પેઢીઓના આ ગૌરવપ્રદ ગઝલકારોની શ્રેણીનું એક મઘમઘતું ને રણરણતું નામ એટલે પંકજ વખારિયા.

બારમા ધોરણ સુધીનો અભ્યાસ કરી કાપડનાં વ્યવસાયમાં ઝુકાવનાર પંકજ વખારિયા ગઝલકાર તરીકે સાચા અર્થમાં માલેતુજાર છે. તેની ગઝલ સર્જન-સંપદા સઘન છે. આમ તો છેલ્લાં થોડાંક વર્ષોથી કાવ્ય-વાચનનાં કાર્યક્રમોમાં હું ભાઈ પંકજની ગઝલો સાંભળતો આવ્યો છું, જેની રસાનુભૂતિ સ્વાભાવિક રીતે જ સીમિત હોય. પરંતુ, છેલ્લા બે-એક મહિના દરમિયાન મને પંકજ વખારિયાની ગઝલોના સઘન સેવન, પરિશીલનનો અવસર મળ્યો. જે મારે માટે અત્યંત સંતર્પક નીવડ્યો છે. આ ગઝલસર્જનમાં પંકજની ગઝલ સર્જકતાના એવા સશક્ત હસ્તાક્ષરોની મને પ્રતીતિ થઇ છે કે તે સ્વયંસ્પષ્ટ છે અને તેને કશા પ્રમાણપત્ર રૂપ પ્રસ્તાવનાની આવશ્યકતા જ નથી, પણ ભાઈ પંકજની ઈચ્છાનો સ્વીકાર કરી હું આ થોડાક શબ્દો પાડવા પ્રેરાયો છું.

પંકજની ગઝલો વિશે લખતાં પહેલાં મારે માણસ અને ગઝલકાર તરીકે પંકજ વખારિયાનાં વ્યક્તિત્વ વિશે કંઇક કહેવું છે. યુવાન પંકજ અધ્યાત્મ-માર્ગનો વિનમ્ર યાત્રી છે. આથી તેનું જીવન, વ્યાવસાયિક તકાજાઓ છતાં, તેના જેવા મનુષ્ય સાથે સુસંગત લેખાય એવું ધીરગંભીર અને શીલભદ્ર છે. ગઝલસર્જન પ્રવૃત્તિને પણ તે અધ્યાત્મચર્ચાના અંશરૂપે આરાધતો હોય તેવી એમાં ગરવાઈ છે. બીજા થોડા ગઝલકારો જેવાં લટુડાંપટુડાં, આત્મરતિ, ‘મુશાયરો લૂંટી લેવા’ની તાલાવેલી, ‘છવાઈ જવા’ની વૃત્તિ, અતિપ્રસિદ્ધિનો વ્યામોહ, આમાનું કશું જ તેનામાં જોવા મળતું નથી. ગઝલઆરાધના, બલકે શબ્દસાધના સંદર્ભે આવી ગુણસંપત્તિનો હું પૂજક છું એટલે પંકજનાં વ્યક્તિત્વ પરત્વે પણ મારાં રસ અને નિસબત વધ્યાં છે. પંકજના આ ગુણવિશેષોનો પણ સહૃદયો આદર કરે તેવી મારી ભાવના છે.

અને હવે પંકજ વખારિયાની ગઝલસર્જન યાત્રા વિશે કંઇક. પંકજ આમ તો છેલ્લાં પંદર-વીસ વર્ષથી ગઝલાભીમુખ છે, પણ તેનો પ્રથમ ગઝલસંગ્રહ હવે પ્રગટ થાય છે તે આજના આંધળી ગતિનાં યુગમાં તો વિલંબિત જ લેખાય. તો બીજી તરફ પંકજનાં આત્મસંયમનું દ્યોતક છે. ગઝલો લખવા માંડી ત્યારથી આજ સુધીનો સમય પંકજે પોતાની ગઝલ બુનિયાદને મજબૂત, પરિપક્વ અને ટકાઉ કરવામાં વિતાવ્યો છે. તેનું સુભગ પરિણામ એ આવ્યું છે કે પંકજ તેના આ પ્રથમ ગઝલસંગ્રહમાં કાચી-પાકી, ઉતાવળે લખાયેલી, સંમાર્જનથી વંચિત રહેલી ગઝલો ભાવકો પર ઠઠાડી દેવાના વ્યામોહથી જોજનો દૂર રહી શક્યો છે અને આપણને અહીં જે ગઝલો પ્રાપ્ત થાય છે એ ગઝલકાર તરીકેની પંકજની પરિણત પ્રજ્ઞાની ફલશ્રુતિરૂપ પ્રતીત થાય છે. ગઝલકાર તરીકેનો પંકજનો ભાવપક્ષ અને શાસ્ત્રપક્ષ ઉભય સંગીન છે. તે પુસ્તક સ્વરૂપે પ્રથમ જ ડગ માંડે છે અને તે તેનું સાબૂત, પ્રગતિગામી કદમ છે. ગઝલ જેવા સરલાભાસી, છટકિયાળ પણ શક્યતાસભર કાવ્યપ્રકારની સર્વવિશિષ્ટતાઓ અને મર્યાદાઓથી પંકજ પરિચિત, બલકે સભાન છે, અને તેથી પંકજની ગઝલોમાં ગઝલનાં કાવ્યપ્રકારની મર્યાદાઓ ન્યૂનતમ અનુભવાય છે અને તેનો ગુણપક્ષ જ વધારે વ્યક્ત થયેલો અનુભવાય છે. પંકજ સાવ આજની પેઢીનો અધુનાતન ગઝલકાર છે. આથી તેને ગુજરાતી ગઝલની એકસો ઉપરાંત વર્ષની સુદીર્ઘ પરંપરાના સભાન પરિશીલનમાંથી પસાર થવાનો લાભ મળ્યો છે. ૧૯૬૦ની આસપાસ ઊભરેલી નવીનત્તમ આધુનિક પ્રયોગશીલ ગુજરાતી ગઝલનો તો તે નિકટવર્તી વારસદાર છે. આથી તેના પ્રભાવ તથા તેમાં પ્રવેશેલી મર્યાદાઓથી પણ તે અભિજ્ઞ છે. આ પ્રશ્ચાદભૂના પરિપ્રેક્ષ્યમાં તેની ગઝલ આધુનિક અલબત્ત છે, પણ એ આધુનિકતાને એણે ફેશન રૂપે અપનાવી નથી. તેની ગઝલોમાં પ્રયોગશીલતા છે, પણ પ્રયોગખોરી પ્રાય: લગભગ નથી. ઉર્દૂ ગઝલનાં અભ્યાસની ભૂમિકા પણ તેણે પ્રાપ્ત કરી છે, આથી તેની ગઝલોમાં છંદશૈથિલ્ય તથા ફાવટ આવી ગયેલા ગણ્યા-ગાંઠ્યા છંદોમાં જ હથોટીને લીધે ગઝલને ખેલવ્યા કરવાનું એનું મુદ્દલ વલણ નથી. ગઝલસર્જનની અનિવાર્યતાની એને પ્રતીતિ થઇ છે ત્યારે જ એણે ગઝલ લખવા માટે કલમ ઉપાડી છે એવી રસાનુભૂતિ એના ભાવકને થાય છે અને એ જ ગઝલકાર તરીકેની પંકજની મહદ્ સિદ્ધિ છે.

ઊંચા ગજાના ગઝલકારમાં હોવું જોઈએ તેવું શબ્દ-પ્રભુત્વ પંકજની ગઝલોમાં ભારોભાર અનુભવાય છે. એ તેની ગઝલોમાં જેટલી સહજતાથી બોલચાલની ગુજરાતી બાની પ્રયોજી શકે છે તેટલા જ સામર્થ્યથી તે તત્સમ પદાવલિનો વિનિયોગ પણ કરી શકે છે. પંકજની ગઝલોમાં ઈહ લોકની ગતિવિધિઓ, બહુધા પ્રણયવૈફલ્યનાં સંવેદનો અને એ સર્વથી અધિક તથા ઊંચે આધ્યાત્મિક અનુભૂતિઓનું ગઝલોચિત આલેખન પણ જોવા મળે છે. આટલાં વાનાં એક ગઝલકારની સફળતા અને તેના ગઝલસર્જનની સાર્થકતા માટે પર્યાપ્ત લેખાવાં જોઈએ, પણ પંકજની ગઝલોમાં આનાથીયે કશુંક અધિક અને વિશેષ છે, જેનું વિશ્લેષણ કરતાં હું એવું કહેવું યોગ્ય લેખું છું કે ભાઈ પંકજ વખારિયાની ગઝલો સાચકલી ગઝલાનુભૂતિનાં પર્યાયરૂપ બની શકી છે. એ ‘અધિક’ અથવા ‘વિશેષ’ લગભગ અપરિભાષિત છે, પણ અનુભૂતિસહજ છે અને કોઈ પણ કલાકૃતિ માટે એની આ અનુભૂતિ સહજતા, પ્રત્યાયનક્ષમતા અને આસ્વાદમૂલક અસ્તિત્વ પર્યાપ્ત લેખાય.

પંકજની ગઝલો ભાવક પક્ષે પણ ચોક્કસ સજ્જતાની અપેક્ષા રાખે તેવી છે. મુશાયરાની ‘ઈન્સ્ટન્ટ’ દાદની મોહતાજ આવી ગઝલો ન જ હોય અને ભાઈ પંકજને પોતાની ગઝલો પરત્વે તે અપેક્ષિત પણ નથી. પંકજની ગઝલવેલીને લાગેલાં કેટલાંક રમણીય પત્રપુષ્પ સમાન શેરો આચમન રૂપે અહીં ઉતારી પંકજની ગઝલયાત્રાને ઉત્તરોત્તર વિશેષ સાર્થકતા પ્રાપ્ત થાઓ તેવી મંગલ કામના વ્યક્ત કરું છું.

સત્ય સીધું કોણ સાંભળવા સમર્થ ?
પહેલાં થોડી વાત રોચક માંડ તું !

આ બધું દેખાય છે બસ, છે નહીં
ચિત્રપટને ચીર, ત્રાટક માંડ તું !

રોશન કરી જા યા તો પછી ભડભડાવી જા
માચીસનો ધર્મ કોઈ પણ રીતે બજાવી જ

તરફડાટ આ સમજે તો સમજે કદાચિત્ જાળ, પણ –
ખારવાની નજરે તો બસ હોય છે મચ્છીપણું

બીજા તમામ વારસા સાથે જ ભાગમાં
સદગત સમયનાં નખ મળ્યા જીવિત કબાટમાં

લૂંટાઈ ગઈ છે આબરૂ આંસુની એકવાર
ઓળંગશે ન આંખનો ઉંબર બીજી વખત

દોસ્ત ! તું પણ લાખ ગઝલ અઘરી નથી
આમ, જોકે શ્વાસ લેવાની કળા

શબ્દની કરતાલમાં રણકી ઊઠી
જિંદગી નામે ભરોસાની કળા

ભીતરે પણ ભેજ હોવો જોઈએ;
કાવ્ય કંઈ ટપકે નહીં વરસાદથી

કોણ ઊતરે આંખમાં ઊંડે સુધી ?
વાત ચશ્માંની જ બસ, ચર્ચાઈ ગઈ

લોલક સમી છે મનની ગતિ, બેસ થોડીવાર
જંપી જા મધ્યે, છોડ અતિ, બેસ થોડીવાર

- શ્રી ભગવતીકુમાર શર્મા
૧૩.૦૨.૨૦૦૯0 comments


Leave comment