3 - કેફિયત / પંકજ વખારિયા


ૐ અથ શ્રીમદગઝલ સાવધ થઈ સૂણો હરિવર !
ભીંજવો અત્યારથી ન આંખનો ખૂણો હરિવર !

આપ શબવત્ શબ્દ માંહે પ્રાણ જો ફૂંકો હરિવર !
કહેવા કંઈ કોશિશ કરું હું, જીભનો ટૂંકો હરિવર !

મુખમાં તુલસીપત્ર મૂકતાં ઝણઝણી ઊઠ્યાં હરિવર !
મંદિરો શૈશવનાં ભીતર ક્ષણક્ષણી ઊઠ્યાં હરિવર !

સોના રે ! વાટકડી, ઊના આંસુઓ નહોતાં હરિવર !
સોય ભીતર બાલુડાના ભરથરી પહોંચ્યાં હરિવર !

ભોળા ભાવે આપને વિનવી જોઈ લીધું હરિવર !
પણ, ધરાવેલું કદી મુજ દૂધ ના પીધું હરિવર !

ને પછી હૈયામાં અગ્નિ યજ્ઞનો ઊઠે હરિવર !
મૂર્તિઓ સ્વાહા થઈ ને શૂન્યમાં ગૂંજે હરિવર !

પણ, ફરી ભક્તિના ભીના ભાવે ભીંજાવ્યો હરિવર !
ભાગવતની બંસીએ રસ એવો વરસાવ્યો હરિવર !

જઈ નજીક કુદરતની, ચારુ ચિત્રો મેં દોર્યા હરિવર !
આંગળીમાં રંગ જોકે ના વધુ મહોર્યા હરિવર !

આ નદી ને બાગ સાથે સ્નેહ પૂર્વાપર હરિવર !
ક્યાં ગણિતમાં બેસે છે સરસર અને મર્મર હરિવર !

શહેરથી છેટું જરા એકાંત શોધ્યું સ્થાન હરિવર !
આભથી ઊતરેલું કંઈ ત્યાં કાવ્ય કે કુરાન હરિવર !

રોવું-રોવું આંખ પામી શબ્દનું વરદાન હરિવર !
આંસુ ટપકાવ્યાં વિના રડવું થયું આસાન હરિવર !

પૂરવા હૈયાનો ખાડો આ મૂક્યું આંધણ હરિવર !
આંસુઓ ઊકળે તો ઓરું સત્યની સમજણ હરિવર !

ત્યાં સુધી આ મનના મૂંઝારાનું શું કરવું હરિવર ?
વહાર આવે ના વખત પર તો પડે મરવું હરિવર !

આપ પાસે છે મને બસ, આટલી ઉમ્મીદ હરીવર !
કે કદી કરવી પડે ના આપને તાકીદ હરિવર !

ઓશીકું છે મૌન, ચાડી ખાય છે ચાદર હરિવર !
કેટલાં સપનાંએ ખૂંપાવ્યાં મને ખંજર હરિવર !

રંજ-ગમનો ગર્ભ પાડી સાજ સજવાના હરિવર !
ને ફરી ખ્વાબોના બિસ્તર ગર્મ કરવાના હરિવર !

આપ અજમાવી જુઓ જાતે આ સંયોજન હરિવર !
બચવાના જોખમ વિનાનું ઝેર છે જીવન હરિવર !

હા, ઉછીની એક-બે માચીસ ભલે માગી હરિવર !
કિન્તુ, વસિયતમાં મળેલી તોપ તો દાગી હરિવર !

જળ જમાવટ વિણ ઉતાવળ હો પ્રગટવાની હરિવર !
એ નદી થોડું વહીને થઇ જશે છાની હરિવર !

આપણા કાંઠાના પાળામાં નથી ખામી હરિવર !
પણ, કદી ઓ’પારથી આવે છે ત્સુનામી હરિવર !

બાગની કિસ્મતમાં એવો એક ‘દિ’ આવે હરિવર !
પુષ્પ સાથે પાન પણ પમરાટ ફેલાવે હરિવર !

ક્યાં વિચારોના આ વરઘોડે પડ્યો ભૂલો હરિવર !
શાંત લય શ્યામલ તમારા ઘોડિયે લઇ લો હરિવર !

આગમાં ઘી હોમતા રહી શાને ભડકાવો હરિવર ?
સામટું ઘી ઠાલવી દઈ આગને ઠારો હરિવર !

મોરનું ટેટૂ પડાવ્યું છાતી પર ધાંસુ હરિવર !
પણ, પછી આવ્યું નહીં ક્યારેય ચોમાસું હરિવર !

યાદનો સંકેલું તંબુ, ક્યાં સુધી થંભું હરિવર ?
ચલ, ફરી યાત્રા ભૂલા પડવાની આરંભું હરિવર !0 comments


Leave comment