4 - કેટલાક દીપકોનું તેજસ્મરણ / પંકજ વખારિયા


ને હવે અધ્યાય આ બીજા પછી પહેલો હરિવર !
પૂર્વે આપે જે અવાર આંખે વહાવેલો હરિવર !

આ ‘અનિલ’ અટકી પડ્યો ના આભમાં અમથો હરિવર !
કૈંક અલગારી જ એને રચવો છે રસ્તો હરિવર ! (રતિલાલ ‘અનિલ’)

મર્ઝને મટવા ન દઈ, પયગંબરી સાધી હરિવર !
થઈ દીવાના મોહબતની આબરૂ રાખી હરિવર ! (મરીઝ)

સ્વપ્નમાં પણ મન હરી લે એવો ભીનો ભાવ હરિવર !
તોય ક્યાં-ક્યાંથી મળ્યા’તા એકધારા ઘાવ હરિવર ! (મનહરલાલ ચોકસી)

આમ કોરાં આભ જેવો પત્ર પાઠવતાં હરિવર !
ને પછી અઢળક વરસતા મોરના ટહુકા હરિવર ! (ભગવતીકુમાર શર્મા )

આવો, હિલ્લોળો તરન્નુમના તરાપા પર હરિવર !
ચંદ્રની બંસીએ વિહરે ‘હંસધ્વનિ’ના સ્વર હરિવર ! (રાજેન્દ્ર શુક્લ)

યાદ છે તમને મીરાંને ફૂલ દીધાનું હરિવર !
ઝેરના પરબીડિયાને જીરવી લીધાનું હરિવર ! (રમેશ પારેખ)

નેવાં નીચે જીવ પલળવા મેલ્યો ભડભડતો હરિવર !
એમાં તો દાઝી મર્યો પંથક પૂરો બુઢ્ઢો હરિવર ! (રમેશ પારેખ)

હાથ બળવાની ખરી એની ઠરી અટકળ હરિવર !
સ્હેજ પણ પૂર્યું નહીં, જેણે કલમમાં છળ હરિવર ! (મનોજ ખંડેરિયા)

અતડો-અઘરો લાગતો, પણ છે સરળ-સ્હેલો હરિવર !
પ્રેમમાં ઘેલો તમારો ચુસ્ત આ ચેલો હરિવર ! (અમર પાલનપુરી)

દર્દની શમ્મા જલાવી સાંજના કૂબે હરિવર !
આ પ્રતીક્ષાનો અનૌરસ સૂર્ય તો ડૂબે હરિવર ! (કિસન સોસા)

કોઈ ઈચ્છાના હટયા ન આંખ પરથી કાચ હરિવર !
થાકી આ તલવાર ને ઓઝલ હજી છે સાચ હરિવર ! (ચિનુ મોદી)

પ્રેમ ઉર્ફે આપ ઉર્ફે દોસ્ત યા દરિયો હરિવર !
ને બનેલો છે સમંદરબાજ રેતીનો હરિવર ! (નયન દેસાઈ)

ઉત્ખનન કરવા ગયો જો નીંદનું ભાસ્કર હરિવર !
થઈ વિમાસણ મૂળમાં પામીને નિજ અક્ષર હરિવર ! (ભાસ્કર વખારિયા)

માફ ગુસ્તાખી કે સાલી છે નહીં ફૂરસત હરિવર !
વાત ચાલુ છે સજનવા સાથે કંઈ અંગત હરિવર ! (મુકુલ ચોકસી)

ક્યાં સજાવી શકશે એને શબ્દનાં વસ્ત્રો હરિવર !
મૌનને ટૂંકા પડે છે લાખ્ખો નક્ષત્રો હરિવર ! (મુકુલ ચોકસી)

આ અલગતા ક્યાં સુધી રાખું હજી સાબૂત હરિવર ?
એક થઈએ તો મરણ પામે સ્મરણનું ભૂત હરિવર ! (રઈશ મનીઆર)

ભીડથી ભીતર સુધી તુજ કેટલા ચહેરા હરિવર !
મારી આ પીંછી તો બસ, દોરી શકી દહેરાં હરિવર ! (મહેશ દાવડકર)

(ફેબુઆરી – ૨૦૦૯)0 comments


Leave comment