1 - આ મોજશોખથી કશું ઉપરાંત જોઈએ / પંકજ વખારિયા


આ મોજશોખથી કશું ઉપરાંત જોઈએ
ખાલીપો તોડવા જરા કલ્પાંત જોઈએ

ખળભળતો જોઈ આપણે, ખામોશ રહી ગયો
વીતકને મારી શ્રોતા જરા શાંત જોઈએ

ખુલ્લી આ આંખ તો હજી એવી જ છે ગરીબ
દીદાર કરવા તારા શું દેહાંત જોઈએ ?

આવે છે કામ બાદમાં ફૂંકાતો વાયુ, દોસ્ત !
ચિનગારી પાડવા ટાણે પવન શાંત જોઈએ

આંખોના કોરા મૌનનું કારણ છે એ જ કે,
આંસુને તારી છાતીનું એકાંત જોઈએ
(૨ મે ૧૯૯૫)1 comments

Rahat

Rahat

Aug 24, 2019 11:33:53 AM

Waah kavi

1 Like


Leave comment