15 - આશાનાં મૃત્યુ બાદનું છે દૃશ્ય આંખમાં / પંકજ વખારિયા
આશાનાં મૃત્યુ બાદનું છે દૃશ્ય આંખમાં
ઝૂરે યુવાન સ્વપ્નનું વૈધવ્ય આંખમાં
સંબંધ એમ તૂટે નહીં માત્ર મૌનથી
સંકેતનું રહ્યું હજી સાતત્ય આંખમાં
અભિનય ઈનામપાત્ર છે સાચે જ એમનો
ઝલકે છે દોસ્તો વિશે મંતવ્ય આંખમાં
ત્યાં બોલબાલા બાહુ ને દંભી જબાનની
ને મારું બધ્ધું યે હતું કૌશલ્ય આંખમાં
ફસકી પડ્યો વિષાદથી હાથોનો ચંદ્રગુપ્ત
છૂટ્ટી શિખાએ રઝળે છે ચાણક્ય આંખમાં
(૧૮ નવેમ્બર ૧૯૯૦)
0 comments
Leave comment