16 - અમે તો પ્યાસથી મહોરી ઊઠેલા થોર હતા / પંકજ વખારિયા


અમે તો પ્યાસથી મહોરી ઊઠેલા થોર હતા
અને આ લોકને લાગ્યા અષાઢી મોર હતા

કશુંયે પાંગરે કઈ રીતે એ પળોમાંથી
મિલનના અવસરો સૌ શુષ્ક ને કઠોર હતા

આ માથે ધોળા ને આંખે આ ચશ્માં બેતાલાં
હજી તો કાલ સુધી શબ્દ આ કિશોર હતા

તરત હતી મને એકાદ સાચ્ચા આંસુની
નહીં તો કેટલાયે દરિયા ચારેકોર હતા

અને લ્યો ! એ જ ઉઠાવી ગયા છે નીંદ એની-
નયન, જે સ્વપ્ન પ્રતિ ભાવથી વિભોર હતાં
(૬ એપ્રિલ ૧૯૯૧)0 comments


Leave comment