17 - બધી જ વ્યર્થ છે તારી કમાલ, છોડી દે / પંકજ વખારિયા


બધી જ વ્યર્થ છે તારી કમાલ, છોડી દે !
ન ટહુકે ચિત્રનું પંખી, ખયાલ છોડી દે

ન રાખ એની કને આશરાની આશા તું
ઘડીમાં ઘર આ થશે કાટમાલ, છોડી દે

ગજા બહારનાં સપનાંઓ મૂકી દે પડતાં
અમસ્તા કર નહીં તું ભાવ-તાલ, છોડી દે

ઘણા એ જાણે છે, તુજ ઘરમાં એકે દીવો નથી
નીકળવું ગામમાં લઈને મશાલ, છોડી દે

સફરમાં એ જ તો સંગાથે રહેશે અંત સુધી,
તરસને રાખ તું સાથે, પખાલ છોડી દે
(૨૪ ઓગસ્ટ ૧૯૯૩)0 comments


Leave comment