21 - વિસ્તરતું, તૂટતું, ફરી સર્જાતું જાય છે / પંકજ વખારિયા


વિસ્તરતું, તૂટતું, ફરી સર્જાતું જાય છે
શાશ્વત આ સ્વપ્ન બ્રહ્મનું ઘૂમરાતું જાય છે

અંધારે ઘોર ઊપડે છે સૂરજની વારતા
અજવાળું કેવું હોય છે, ચર્ચાતું જાય છે.

માપી હો ઉષ્મા દૂરના તારાની એ રીતે
મારું સળગવું એમને સમજાતું જાય છે

બસ, મુઠ્ઠીભર આ દેહના દાયિત્વને લીધે
અધિકાર આત્માનો ભૂલી જિવાતું જાય છે

હો રૂબરૂ છતાં હવે બસ, પામીએ અતીત
અંતર પ્રકાશવર્ષમાં લંબાતું જાય છે.
(જાન્યુઆરી ૧૯૯૫)0 comments


Leave comment