23 - બસ કરો ભઈ, કેટલું સાંખી શકીશ ? / પંકજ વખારિયા


બસ કરો ભઈ, કેટલું સાંખી શકીશ ?
કોઈ દિ’ નહીતર ધડાકો થઈ જઈશ

સૌમ્યતાના નામ પર હું ક્યાં સુધી –
શ્વેત રંગે લોહીને રંગ્યા કરીશ ?

જિંદગી ચોપાસથી સંન્નન્ન છૂટે
કઈ દિશામાં બોલ રે ! પાછળ હઠીશ ?

નાક નીચું થાય છે સંજોગવશ
ફટ્ કહેજે નેણ જો નીચા કરીશ

તો કદાચ અંધત્વ એવું પીગળે
સત્યને છાંટીને હું સળગી જઈશ
(૧૪ નવેમ્બર ૧૯૯૩)0 comments


Leave comment