29 - રાત આખી ખળભળે છે શહેરમાં / પંકજ વખારિયા


રાત આખી ખળભળે છે શહેરમાં
એક સપનું ટળવળે છે શહેરમાં

કંઠમાં ટહુકો લઈ આવ્યું કોઈ
- ને બધિર સમજણ મળે છે શહેરમાં

તોય વધતું જાય અંધારું સતત
બત્તી તો લાખો બળે છે શહેરમાં

રોજની પંગત કે સંગત હોય, પણ –
કોઈ અંગત ક્યાં મળે છે શહેરમાં !

કોને ફૂરસદ ભાવ કરવાનીય છે !
શાંતિ લઈ તું નીકળે છે શહેરમાં

એક બસ ! રહી ગઈ કમાડોની કમી
ભીંત તો સઘળે સ્થળે છે શહેરમાં

શહેરથી ત્રાસીને ભાગેલા તમામ
અંતે તો પાછા વળે છે શહેરમાં
(૨૧ ડિસેમ્બર ૧૯૯૭)0 comments


Leave comment