34 - ખૂટ્યો પસીનો પણ હજી તરસ્યું મકાન છે / પંકજ વખારિયા


ખૂટ્યો પસીનો પણ હજી તરસ્યું મકાન છે*
શાયદ ઉઘાડી આંખનું સપનું મકાન છે

સાર્થક છે તારા કારણે એની મકાનિયત
બાકી, મકાન એટલે ઠાલું મકાન છે

ધીમી તો ધીમી, યાદ છે તારી અગન સમી
ને આખરે આ ‘હોવું’ બરફનું મકાન છે.

રાખી છે બહાર ભવ્યતા અકબંધ જેમ-તેમ
ભીતર તો સાવ ભાંગી પડેલું મકાન છે

આ આટલા વરસ પછી જઈ-જઈને ક્યાં જવું ?
પણ, છોડવું તો પડશે, પરાયું મકાન છે

(* શ્રી ‘અમર’ પાલનપુરીની પંક્તિ પરથી)
(૯ ફેબ્રુઆરી ૨૦૦૫)0 comments


Leave comment