35 - બાકી તો ખાલીપો જ છે ખંડિત કબાટમાં / પંકજ વખારિયા


બાકી તો ખાલીપો જ છે ખંડિત કબાટમાં
બસ, થોડી ફક્ત યાદ છે સંચિત કબાટમાં

શોધો તો સીધેસીધું કશું પણ જડે નહીં,
ને આમ પાછું કંઈ નથી ગોપિત કબાટમાં

ચોમાસું ગાતું-નાચતું વરસે છે તે ઘડી
એ મોરપિચ્છ થઈ જતું સ્પંદિત કબાટમાં

બીજા તમામ વારસા સાથે જ ભાગમાં
સદગત સમયનાં નખ મળ્યાં જીવિત કબાટમાં

તોયે મજૂર જેમ જીવન હાંફતું રહ્યું
ખડક્યાં છે આમ તો ઘણા પંડિત કબાટમાં

ચોક્કસ પ્રસંગે પહેરવાં અકબંધ રાખી ખાસ
જોડી વ્યથાની રક્તથી રંજિત કબાટમાં

એવું નથી કે બસ, બધું મારું જ એમાં છે
તારાથી ત્યકત હોવું આ મૂર્ચ્છિત કબાટમાં
(૨ જૂન, ૧૯૯૫)0 comments


Leave comment