36 - પાક પાંગરવાની સાથે ઘાસ બોનસમાં મળે / પંકજ વખારિયા


પાક પાંગરવાની સાથે ઘાસ બોનસમાં મળે
ખાસ પર એમ જ જરા બકવાસ બોનસમાં મળે

સાધનો સુખના કડી દુઃખનું યે કારણ થાય ને –
ટાંકણા-તહેવાર ભેગો ત્રાસ બોનસમાં મળે

ભાર અવસરનો જ અવસર માણવા દેતો નથી
થા જરા બિન્દાસ તો ઉલ્લાસ બોનસમાં મળે

ખમ ! જરા, અનુભવ હવા નીકળી જવાનો પણ હશે
દમ ભરે એ નાકને નિ:શ્વાસ બોનસમાં મળે

મૂળ હેતુ આ ગઝલ-મંથનનો તું ભૂલતો નહીં
મુખ્ય તો માખણ છે, ભઈલા ! છાશ બોનસમાં મળે

પુષ્પ ખીલે પ્રેમનું તારી ભીતર તો શક્ય છે
પ્રેમ કેવળ પ્રેમ બસ, ચોપાસ બોનસમાં મળે
(૧૦ સપ્ટેમ્બર ૨૦૦૭)0 comments


Leave comment