37 - માપવા નીકળ્યું નદીને સાવ સરકારીપણું / પંકજ વખારિયા
માપવા નીકળ્યું નદીને સાવ સરકારીપણું*
કેટલું કાદવપણું, પાણીપણું, રેતીપણું ?
માંડ બસ, બે-ચાર ભાવિક સ્નાન કરતા હોય છે,
બાકી તો સાવ જ ગઝલના ઘાટે છે ખાલીપણું
કોઈ જો આવે ઉતારું તો તરી ઊઠે ફરી
ડૂબવા બેઠું છે નહિતર ખાલીખમ હોડીપણું
આ તો બોલે છે હવા સાથેની સોબતની અસર
મૂળમાં હોતું નથી પાણીમાં તોફાનીપણું
તરફડાટ આ સમજે તો સમજે કદાચિત જાળ, પણ –
ખારવાની નજરે તો બસ હોય છે મચ્છીપણું
દિવસે-દિવસે સાવ આ તાપી નંખાતી જાય છે
આમ જોકે છે સુખી ખાધે-પીધે સુરતીપણું
ફૂલ તાજાં ના ચઢે, નિર્માળ પધરાવાય છે
તોય તાપીનું યથાવત્ છે હજી દેવીપણું
(* શ્રી મુકુલ ચોકસીની પંક્તિ પરથી)
(૩૧ ઓક્ટોબર ૨૦૦૮)
0 comments
Leave comment