43 - ઊગે છે એવો ખ્યાલ આ ખીલતા ગુલાબમાં / પંકજ વખારિયા


ઊગે છે એવો ખ્યાલ આ ખીલતા ગુલાબમાં
અર્પણ થશે એ કોઈ જખમના જવાબમાં

શોધો તો એવા દાખલા મળશે કિતાબમાં
બેસે ન વાત, જે કદી જગના હિસાબમાં

મળશે જીવનમાં તાંતણા એના પૃથક્-પૃથક્
ગૂંચવાયેલા સ્વરૂપમાં આવે જે ખ્વાબમાં

દૃશ્યોથી આંખ ફેરવો તો નીરખી શકો;
છુપાયું શું છે નેત્રપટલના નકાબમાં

ટહુકો ન તો લખી શકો, ન ચીતરી શકો,
મૂકી શકો છો પીછું ખરેલું કિતાબમાં

દેખીને વસ્તુ સારી તું લલચાય છે ભલે
ના ભૂલ, ફૂલ સાથે છે કાંટાયે છાબમાં

અંતે તો પાછી જાગશે, એ પણ સવારે, દોસ્ત !
હમણાં ભલે સુવાડે વ્યથાને શરાબમાં

(૧૩ ડિસેમ્બર ૧૯૯૯)0 comments


Leave comment