51 - પહેલા અઘરો છું, પછી આસાન છું / પંકજ વખારિયા
પહેલા અઘરો છું, પછી આસાન છું
પહાડની ઊંચાઈ પર મેદાન છું
પુણ્ય તારાં હોય તો તું પામશે
પૃથ્વી પર હું સ્વર્ગનું સંસ્થાન છું
કોઈને પરિચય ન મારી ધારનો
મસ્ત મારામાં જ રહીને મ્યાન છું
મૂલ્ય અંકાશે નહીં કંઈ મારું આમ,
સળગું તો પરખાય કે લોબાન છું
કંઈ સતત જન્મે અને મરતું રહે
છું પ્રસૃતિગૃહ કે કબ્રસ્તાન છું ?
સ્કૂલ છે આ જિંદગી, કંઈ ઘર નથી
વાટ જોતું મૃત્યુનું સંતાન છું
થઈ ગયો ખુલ્લો ને ખાલીખમ પછી
ભીડની આ ભીંતે રોશનદાન છું
(૧૮ ઓગસ્ટ ૨૦૦૩)
0 comments
Leave comment