55 - રણની તમામ શુષ્કતા આજે ખરી ગઈ / પંકજ વખારિયા


રણની તમામ શુષ્કતા આજે ખરી ગઈ
કેકટસને બેઠું ફૂલ, ને રોનક ફરી ગઈ

કાંટાળા હાથ સૂર્યના સ્પર્શે કુમાશ થઈ
- ને આંધી પણ ભીની ભીની થઈ ફરફરી ગઈ

નાસી છૂટ્યાં છે ઝાંઝવા મેલી મુરાદના
સારસની શ્વેત શ્રદ્ધા ફરી પાંગરી ગઈ

છાતીની વંધ્યા વાવમાં પાણી પ્રગટ થયાં
બત્રીસ લક્ષણા કોઈ પગલાં કરી ગઈ

સ્મરણોના ગાતા કાફલા આવ્યા છે શોધતા
છલકાવતી અમી કદી અહીંથી પરી ગઈ

(૫ માર્ચ ૧૯૯૭)0 comments


Leave comment