56 - હોવાની ઘટના બાબતે કોઈ કડી વગર / પંકજ વખારિયા


હોવાની ઘટના વગર કોઈ કડી વગર,
ચાલી રહી તપાસ કશી થિયરી વગર

કંઈ તો હશે આ શ્વાસનો આધાર આખરે,
ચાલે ને ચક્રવત્ કોઈ વસ્તુ ધરી વગર

બારૂદ કે ચિરાગ કે ઇંધણ, ગમે તે હો
સળગે ન છેવટે કોઈ દીવાસળી વગર

ખુશબૂ ખરીદનારને હોતો નથી ખયાલ
ફોરમ ના શોભે ફૂલની મોજૂદગી વગર

એકાદ પંથી પૂરતી એ પણ દઈ શકે
વૃક્ષો ખજૂરનાય નથી છાંયડી વગર

હા, થોડો વાંકો-ચૂંકો ને ખાબડ-ઉબડ છું, પણ –
જાણી લે, કોતરો નથી બનતી નદી વગર

પાગલ મને કહી રહ્યાં આ ડાહ્યાં લોક, દોસ્ત !
દાવો કરે, જે પ્રેમનો દીવાનગી વગર
(૨૧ ઓક્ટોબર ૨૦૦૩)0 comments


Leave comment