60 - સૌ કહે છે : વાવડી સુકાઈ ગઈ / પંકજ વખારિયા


સૌ કહે છે : વાવડી સુકાઈ ગઈ
કોઈ કહેતું : વાવની વહેરાઈ ગઈ

કોણ ઊતરે આંખમાં ઊંડે સુધી
વાત ચશ્માંની જ બસ, ચર્ચાઈ ગઈ

એક તો નીકળી ન પેન્સિલની અણી
- ને ઉપરથી આંગળી છોલાઈ ગઈ

હોઠ લગ આવી’તી એની ‘હા’ મગર
પાકતી મુદતે રકમ સલવાઈ ગઈ

કોઈ પણ અવસર વિનાનો છું સમય
ભીંત છું કેવળ હવે, પિછવાઈ ગઈ

એમ ઊમટી યાદ આજે આંખમાં
નાવમાં જાણે નદી ઠલવાઈ ગઈ

આંગળી છૂટી ગઈ આ બારીની
-ને પ્રતીક્ષા ભીડમાં ખોવાઈ ગઈ

સાંજના સોફે ટી.વી.નો હાથ મેં –
હાથમાં લીધો અને તન્હાઈ ગઈ

આંખ મુજ ઝુલાવતાં-ઝુલાવતાં
આંખ અંતે રાતની મીંચાઈ ગઈ
(૨૯ માર્ચ, ૨૦૦૮)0 comments


Leave comment