62 - કંઈ ઉકાળી શકી ક્યાં ? ઊકળતી રહી / પંકજ વખારિયા


કંઈ ઉકાળી શકી ક્યાં ? ઊકળતી રહી
ચાંદની અંગે ચર્ચા ઊકળતી રહી

મૌન નિરસ્ત્રને હોય શું હારજીત ?
તું હતી શબ્દની ‘ખાં’, ઊકળતી રહી

ક્યાં મળે છે કદી કોઈ ચોખ્ખો જવાબ
‘હા’ બબડતી રહી, ‘ના’ ઊકળતી રહી

કોઈ ભીતર પ્રવેશી ગયું છે ધરાર
ઉંબરે ‘હટ, નીકળ, જા’ ઊકળતી રહી

છોકરાની ભીતર ભારે હિમવર્ષા થઈ
ને રસોડે સતત મા ઊકળતી રહી

ક્યારની બેઠી છે ઓસરીમાં સવાર
ભીતરે ચૂલા પર ચા ઊકળતી રહી

(૨૦ એપ્રિલ, ૨૦૧૦)0 comments


Leave comment