63 - પ્રથમ સહજ કોઈ ચાલે, પછીથી ચાલ પડે / પંકજ વખારિયા


પ્રથમ સહજ કોઈ ચાલે, પછીથી ચાલ પડે
થયું જે કુદરતી, કૃત્રિમ થવાનું કાલ પડે

પતનનો થાય છે આરંભ ઉચ્ચ સ્થાનેથી
પડે છે છાપરું પહેલાં, પછી દીવાલ પડે

ભલું છે કોઈના હાથે ચડે પતંગ તરત
ફસાય વચ્ચે તો એ થઈને પાયમાલ પડે

ખીજાશે, રડશે કે રંગાશે ? કહી શકાય નહિ
સફેદ કપડે અગર છાંટભાર ગુલાલ પડે

ઊઠે છે ફેક ચડ્યા બાદ પ્યાસ એવી કે
રહે પીનાર અડીખમ અને કલાલ પડે

ખબર શું કેટલી વર્તાશે ખોટ સૂકીભઠ ?
ખબર શું કેટલો વરસાદ ઓણ સાલ પડે ?

ખરે છે કાંકરી કેવળ શરુ-શરુમાં સતત
પડે છે ત્યારે બધો પળમાં કાટમાલ પડે

પ્રગટવા જોઈએ દીવા તમામ હાથોમાં
કઈ ઘડી, હવે કહેવાય નહિ મશાલ પડે

મળે છે આખરી ઉત્તર તો હોય કેવળ મૌન
થતાં જ શૂન્યની સંમુખ બધા સવાલ પડે

(૨૬ મે, ૨૦૧૦)0 comments


Leave comment