66 - ધરતીમાં ઊંડે, આભમાં ઊંચે ગયો હશે / પંકજ વખારિયા


ધરતીમાં ઊંડે, આભમાં ઊંચે ગયો હશે
એમ જ તો માનવી પુષ્પિત થતો હશે

જંગલનું વૃક્ષ પાઠવે છે શહેરી વૃક્ષને;
પાણી ઘણું છે વનમાં, ત્યાં તડકો ઘણો હશે

આતુર થઈને સૂંઘી વળે નાનાં છોડવાં
એનાય નામે કોઈએ ટહુકો લખ્યો હશે

ધબકે અવર-જવર, છતાં એકાંત ના તૂટે
ઘરમાં કવિના, વૃક્ષ સમો ઓરડો હશે

સંગીત લીલું-લીલું આ કાયમ નહીં રહે
ખખડાટ કોઈ વેળા સૂકાં પાનનો હશે

દુઃખ પાનખરમાં આમ તો વૃક્ષોને કંઈ નથી
છાંયો ઘટી પડ્યાનો જરા વસવસો હશે

રહેશે ન માથે છાંયડો કાલે આ વૃક્ષનો;
હા, વારસામાં એક સરસ બાંકડો હશે
(૨૪ સપ્ટેમ્બર ૨૦૦૭)0 comments


Leave comment