5 - કડવું – ૫ – / મામેરું / પ્રેમાનંદ ભટ્ટ


કડવું ૫ મું. - રાગ મારુ.

સુણી શ્રીરંગ મહેતો આવ્યા ધાઇ, ભાવે ભેટ્યા બંને વેવાઇ;
મળો જમાઇ જમાઇનો ભ્રાત, મળ્યો સહુ નાગરનો સાથ.

ક્પટે ભેટી પાછા ખસે, જોઇ જોઇ સામગ્રીને હસે;
ઉતરવા ઘર આપ્યું એક, ઝાઝાં ચાંચડ મચ્છર વિશેક.

ખાડા ટેકરા વસમો ઠામ, ઉપર નળિયાનું નહિ નામ;
કોહ્યું છાજ ને જૂની વળી, ભીંત્યો દોદશ બેવડ વળી.

ઝાઝા માંકણ, ઝાઝા જૂઆ, ત્યાં મહેતાના ઉતારા હૂઆ;
વેવાઇ ગયા ઉતારો કરી, બોલે હસણી નાત નાગરી.

કુંવર વહુનો વૈષ્ણવ બાપ, દર્શન કરીને ખોઇએ પાપ;
મહેતાને જોવા હરખે ભરી, ઘેર ઘેરથી ચાલી સુંદરી.

મન વિના મહેતાને નમે, સારું થયું જે આવ્યા તમે;
માંહો માંહિ કહે સુંદરી, મહેતો દીઠે દીઠા હરિ.

જુઓ સાથ કેવો ફૂટડો, એને પરમેશ્વર ત્રૂઠડો;
કુંવર વહુનું ભાગ્યું દુઃખ, એવું કહીને મરડે મુખ.

જુઓ બળદ મહેતાજી તના, બગાઈઓ શબ્દ કરે છે ઘણા;
વજાડશે મંડપમાં ચંગ, આગરી નાતમાં રહેશે રંગ.

આ ગાંઠડી વળગાડી લટકે, તાળના જોડા બાંધ્યા પટકે;
તુળસી કાષ્ટતણો એ ભારો, હવે મામેરાનો શો ઉધારો.

છાબમાં તુળશી દળ મૂકશે, ઉભો રહીને શંખ ફૂંકશે;
વેરાગી હરિના ગુણ ગાશે, એટલે મોસાળું પૂરું થાશે.

એમ નાગરી કૌતુક કરે, ટોળ કરીને પાછી ફરે;
કુંવર બાઇએ જાણી વાત, મોસાળું લઇ આવ્યા તાત.

ઉતાવળી મળવાને ધશી, બોલી નણદી મર્મે હશી;
આ શું પિતા પુત્રીનું હેત, શાને કરવા આવ્યો ફજેત.

લજાવ્યું સાત પેઢીનું નામ, સાથે વેરાગીનું શું કામ;
શું મળવા ચાલ્યાં એકલાં, એ બાપથી ન બાપાં ભલાં.

કઠણ બોલ એવો સાંભળી, કુંવરબાઇ બોલી પાછી વળી;
નણદી શું મચ્છર આવડો, પુંઠળથી બાઇ શું બડબડો.

સુખી પિતા હશે જે તણો, તે પુત્રીને લાભ જ ઘણો;
કોનો પિતા લખેશરિ કહાવે, તે તો મારે શે ખપ આવે.

રાંક પિતા આવ્યો મુજ ઘેર, એક કાપડું સોનાનો મેર;
તમે મન માને તે કહો, એ પિતા મારે જીવતો રહો.

મર્મ વચન નણદીને કહી, પછે પિતા પાસે પુત્રી ગઇ;
દૂરથકી દીઠી દીકરી, મહેતાએ સમર્યા શ્રી હરિ.

અન્યોન્ય નયણાં ભરી, ભેટ્યાં બેઉઓ આદર કરી;
મહેતે મસ્તક મૂકી હાથ, પાસે બેસાડી પૂછી વાત.

કુંવરબાઈ કહો કુશળક્ષેમ, સાસરિયાં કાંઇ આણે છે પ્રેમ;
રુડો દિવસ આવ્યો દીકરી, તો મોસાળું કરશે શ્રીહરિ.

કુંવર બાઇ બોલી વીનતિ, મોસાળું કાંઈ લાવ્યા નથી;
નાગરી નાતે રહેશે કેમ લાજ, વિના દ્વવ્ય આવ્યા શે કાજ.

નિર્માલ્ય નિર્ધનનો અવતાર, નિર્ધનનું જીવ્યું ધિક્કાર;
નિર્ધનને કોઈ નવ ગણે, નવ રાખે ઊભો આંગણે.

ચતુરપણું નિર્ધનનું જેહ, ઘેલામાંહી ગણાએ તેહ;
લોક બોલાવે દુર્બળ કહી, એથી માઠું કાંઈ બીજું નહીં.

પિતાજી કાંઈ ઉદ્યમ નવ કરો, ધનનો નવ રાખો સંઘરો;
આ અવસર સચવાશે કેમ, પિતાજી તમે વિચારો એમ.

નથી લાવ્યા કંકુની પડી, નથી લાવ્યા મોડ નાડાછડી;
નથી માટલી ચોળીને ઘાટ, એમ શું આવ્યા બારેવાટ.

કેમ કરી લજ્જા રહેશે તાત, હું શે ન મુઈ મરતે માત;
માતા વિના સુનો સંસાર, માતા વિના તે શો અવતાર.

જે બાળકની માતા ગઈ મરી, બાપની સગાઈ સાથે ઊતરી;
જેવું આથમતા રવિનું તેજ, મા વિના એવું બાપનું હેત.

સુરભિ મરતાં જેવું વચ્છ, જળ વિણ જેવું તલફે મચ્છ;
ટોળાં વછોઈ જેવી મૃગલી, મા વિના દીકરી એકલી.

લવણ વિના જેવું ફીકું અન્ન, ભાવ વિના જેવું ભોજંન;
કીકી વિના જેવું લોચંન, મા વિના તેવું બાપનું મંન.

ઘડો ફૂટે રઝળે ઠીકરી, મા વિના એવી દીકરી;
ગોળ વિના મોળો કંસાર, માત વિના સૂનો સંસાર.

શીદ કરવા આવ્યા ઉપહાસ, સાથે વેરાગી પાંચ પચાસ;
શંખ તાળ ને માળા ચંગ, એ મોસાળું કરવાના ઢંગ.

ન હોય તો પિતા જાઓપાછા ફરી, એવું કહીને રોઈ દીકરી;
મહેતે મસ્તક મૂક્યો હાથ, કરશે મોસાળું વૈકુંઠનાથ.

પહેરામણી કરવી હોય જેટલી, આસામી લખી લાવો તેટલી;
લખજો સાસરિયાં સમસ્ત, વિસારશો મા એક વસ્ત.

વચન મહેતાજીનાં સુણી, કુંવરબાઇ આવ્યાં સાસુભણી;
મારે પિતાએ મોકલી હૂંય, લખો કાગળમાં જોઇયે શૂંય.

મુખ મરડીને બોલી સાસુ, શો કાગળ ચીતરવો ફાંસુ;
છાબમાં તુળસીદળ મૂકશે, ઊભો રહીને શંખ ફૂંકશે.

વલણ

ફૂંકશે શંખ ઊભો રહી, નરસૈયો મોસાળું શું કરે;
સંવાદ વહુઅરનો સાંભળી, પછે વડ સાસુ એમ ઓચરે.


0 comments


Leave comment