76 - ‘હું છું’ના ભ્રમની જ સડતી લાશ હોય / પંકજ વખારિયા


‘હું છું’ના ભ્રમની જ સડતી લાશ હોય
‘હું’ વિના હોવાનો ક્યાંથી નાશ હોય ?

‘હું’નું હોવું ‘તું’ અને ‘તે’ પર નભે
બાકી તો ‘હું’ ખાલીખમ અવકાશ હોય

લાલચે સુખની સ્વયં ‘હું’ વહોરે દુઃખ
પૂછો કારણ તો ‘બધા’ બદમાશ હોય

‘હું’ નથી તો ‘હાશ’ છે, જે કંઈ થતું
‘હું’ ને હર બાબતને અંતે ‘કાશ’ હોય

‘હું’ હસી શકતો નથી, રડવાનો શું ?
‘હું’ વગરનો થાય તો હળવાશ હોય

કોણ ટકતું ‘હું’ કને બસ, ‘હું’ સિવાય ?
‘હું’ રહિતને વિશ્વ બાહુપાશ હોય

‘હું’ ‘કરે છે’ તો સમય ઓછો પડે
‘થાય છે’ તો હરપળે નવરાશ હોય
(૬ ફેબ્રુઆરી ૨૦૦૩)0 comments


Leave comment