79 - આઝાદ છું, પરંતુ હું ઊડી નહીં શકું / પંકજ વખારિયા


આઝાદ છું, પરંતુ હું ઊડી નહીં શકું
પિંજરનો પ્રેમ પળમાં ભુલાવી નહીં શકું

કળ વળતા લાગશે હજી આંખોને થોડીવાર;
તૂટી ગયું છે સ્વપ્ન, પણ ઊઠી નહીં શકું

ચિનગારી એકવાર જો ચાંપી છે રાતને
સૂરજનું ઊગવું પછી રોકી નહીં શકું

મારામાં નાવ, નાવમાં આદિ ને અંતહીન –
અમૃત સમુદ્ર છે, છતાં ડૂબી નહીં શકું

અંતે પ્રતિક્ષા છે હવે એની કૃપાની બસ,
પોતે પરમનાં દ્વાર ઉઘાડી નહીં શકું
(૫ જાન્યુઆરી ૨૦૦૫)0 comments


Leave comment