80 - આ છેલ્લી તપનમાં તરસતો રહું છું / પંકજ વખારિયા
આ છેલ્લી તપનમાં તરસતો રહું છું
થવાને તૃષાતીત તડપતો રહું છું
નથી રથ, નથી પથ, નથી કળ, નથી બળ...
અકળ લઇ મનોરથ, રઝળતો રહું છું...
ભીતર રણ ભયંકર, ભીતર ક્ષીરસાગર
ભીતરના ભરોસે ભટકતો રહું છું
અનાગત ગરભમાં, વિગતનું ખભે શબ
વખતનો આ બોજો ઊંચકતો રહું છું
હું શબ્દોથી અક્ષર ને અક્ષરથી ૐકાર
અનાહત, અકથમાં ઊતરતો રહું છું
ઊભો છું હું હોવા – ન હોવાની હદ પર,
મથું છું હું મટવા ને બચતો રહું છું
પ્રયાસોની પામરતા સમજી હવે, નાથ !
નિરાલંબ કેવળ પ્રજળતો રહું છું
(૨૯ સપ્ટેમ્બર ૨૦૦૩)
0 comments
Leave comment