25 - અજવાળાં આંજો હરિ ! / હરિશ્ચન્દ્ર જોશી


સાંયાજી, મારી આંખોને પરસો જરી,
અઘરી કંઈ જીવતરની ભાષા ઉકેલવી
       અજવાળાં આંજો હરિ !...

અપલક આ પાંપણને પરસાવો
       ઊડતા પતંગિયાની ફરફરતી પાંખો,
આઘાતો પીતી ને જીરવતી
       કીકીનો રંગ સાવ પડી ગયો ઝાંખો,

સાંયાજી, ઝીણાં અચરજ આળેખો ફરી...

આજ લગી સંઘરેલ અણીદાર ઘટનાઓ
       પોપચાંની દાબડીએ સળકે,
નેજવું બનીને આમ ઊભાં એ આશાએ
       અણધારી નદી કોઈ ખળકે,

સાંયાજી, આંખ સૂકી તળાવડી ઠરી...

ખૂણામાં ચચરે છે સદીઓનાં અંધારાં
       કોરી અણસમજણની મેશ,
પથ્થરિયા સપનાંઓ ઊગે છે રસ્તામાં
       લાગે છે જીવ લગી ઠેશ,

સાંયાજી, તમે સૂરજ, મેં અરજી ધરી...


0 comments


Leave comment