26 - એકલું એકલું લાગે / હરિશ્ચન્દ્ર જોશી


એકલું એકલું લાગે
સાંયા, એકલું એકલું લાગે,
દૂરને મારગ જઈ વળે મન
સૂનકાર બહુ વાગે...

સાદ પાડું તો પડઘાતી હું અંદર અંદર તૂટું,
જીવ ઘોળાતો જાય ને પછી ડૂસકે ડૂસકે ખૂટું,
ઝૂરવું મ્હોર્યા ફાગે...

રોજ ઊગે ને અમથો મારા લોહીમાં સૂરજ સાત,
આઠમી હુંયે આથમું મૂકી છાતીએ વેરણ રાત
આંખ સોરાતી જાગે...

એકલી હું ને દીવડો ગોખે, ખૂટવા બકી હોડ,
ઢૂંકતો અરવ પગલે અંધાર ટૂંપવા મારા કોડ,
કેટલું હજીય તાગે ?...


0 comments


Leave comment