28 - અલખ નામનો ધૂણો / હરિશ્ચન્દ્ર જોશી


અવધૂ, અલખ નામનો ધૂણો
કામ-નિકામ બળે છે ભડભડ
       અગનિ સ્હેજ ન ઊણો...

અંદર-બ્હાર કરી અંઘોળા
       ત્વચા ભસ્મની પહેરી,
ધજા સમું ચૌદિશે ફરફરી
       મૂળથી જાત વિખેરી;

ગઢ ગિરનારે અવિચળ ઊભા
       નહીં કાળનો લૂણો...

મૃગજળનો દરિયો તોફાની,
       પરપોટાની હોડી
ચલમ મહીં સંસાર ભરી
       જોગીએ જુગતિ જોડી;

ગગનગેહમાં જઈ મ્હાલે
       જ્યાં નહીં દ્વાર કે ખૂણો...


0 comments


Leave comment