30 - ચલો ઉગમણે દેશ / હરિશ્ચન્દ્ર જોશી


અવધૂ, ચલો ઉગમણે દેશ
આજ લગીની ઓળખબાળી
       ધરો ભસ્મનો વેશ...

મુઠ્ઠીમાં અજવાળું લઈને
       અગમપંથ જે પળશે,
અગનિકાંઠે આસન ઢળશે
       કમલપંખ સળવળશે ;

નાદબીજ કર્ણે રોપાશે
       વિખરાશે સહુ ક્લેશ...
સૂર્ય-વ્યોમ સાથે ઝળહળશે
       આભ-ધરા ઓગળશે,
દશે દ્વારથી પવન પ્રગટશે
       ભૈરવ સૂર ખળભળશે;

પખવાજે પડછંદ ઊઠશે
       પલમાં થશે પ્રવેશ...


0 comments


Leave comment