27 - વૈરાગ્યભાવથી ભરી ભરી ભાવસૃષ્ટિ / ભજનમીમાંસા / ડૉ.નિરંજન રાજ્યગુરુ
સંત ભજનિકોનાં બોધ-ઉપદેશનાં ભજનોનો પ્રધાનસૂર વૈરાગ્યનો છે. જગત પ્રત્યે અણગમો જન્મે ત્યારે જ ઈશ્વર તરફ પ્રીતિ જાગે, પણ જ્યાં સુધી સંસારની અંદરથી વાસના દૂર થતી નથી ત્યાં સુધી કોઈ ત્યાગ ટકતો નથી. ત્યાગ કરતાં કરતાં વૈરાગ્યમાં ડૂબી જવાય અને જ્યાં વૈરાગ્ય જન્મે ત્યાં ત્યાગ-સંપૂર્ણ સમર્પણની ભાવનાનો ઉદય થાય. અને એટલે જ સંતો સંસારનો કે બાહ્ય સંપત્તિનો ત્યાગ કરવાનું સૂચવતા નથી. ધન-મેડી-માલ-ખજાનાને છોડવાનું નથી કહેતા પણ કામ, ક્રોધ, લોભ, મોહ જેવાં વાસનાનાં પ્રબળ તત્વોને મૂળમાંથી ઉખેડી નિર્મૂળ બનાવવાની વાત કરે છે.
વૈરાગ્યનાં મૂર્તિમંત આદર્શને વાચા આપતાં હરખ, શોક, સુખ કે દુઃખની લાગણીઓથી માનવચિત્તને બચાવવાની વાત કરે છે. ‘કપટ ભ્રમણ દૂર કરો તો તારી દેહીડીમાં રામ દિખાવે....’ પ્રભુને પ્રસન્ન કરવા કંઇ હિમાલય જઈ હાડ ગાળવાની તીરથ જઈ તપસ્યા કરવાની સમાધિમાં બેસી જવાની, દાન-પુણ્ય, જપ-તપ-વ્રત કરવાની જરૂર નથી મનનો વૈરાગ્ય જો સાચો હોય તો આપોઆપ જીવમાત્રમાં-પ્રાણીમાત્રમાં પ્રભુના દર્શન થવા માંડશે એમ દાસી જીવણે સંસારાસક્ત માનવોને શીખ આપી છે.
ધ્રુવ, પ્રહલાદ, વિદુર, મીરાં જેવા વૈરાગીઓનાં વૈરાગ્યને વખાણતા જઈને સંતોએ પોતાનાં ભજનોમાં ભક્તોને પ્રાપ્ત થતાં અનંત સુખોની ઈશ્વરનાં પરમાનંદની પ્રાપ્તિ અને કાર્યસિદ્ધિનાં વર્ણનો કર્યા છે.
0 comments
Leave comment