28 - ઉપદેશની મર્મપૂર્ણ અભિવ્યક્તિ / ભજનમીમાંસા / ડૉ.નિરંજન રાજ્યગુરુ


      લોક સંતોનાં ઉપદેશાત્મક ભજનોની વિશિષ્ટતા એ છે કે તેમણે વૈરાગ્યની ભાવનાને લોકહૃદય સુધી પહોંચાડવા વેદાન્તી કવિઓની માફક કઠોર વાણી વાપરીને દરેક સ્થળે, દરેક જનને ચાબખા વીંઝ્યા નથી. અને માનવજીવનનું મૂલ્ય ઘટાડ્યું નથી, પણ સંસારમાં આસક્ત ઈશ્વરવિમુખ જીવોને કાયમની ક્ષણભંગુરતાનું ભાન કરાવવા, સંસારની માયાજાળના બંધનોમાંથી મુક્ત કરાવવા-ભવસાગરમાં ભટકતા જીવોને તેમણે સાચા ગુરુ, સાચા માર્ગદર્શક અને સાચા સંગાથી બની પ્રેરણા, પ્રોત્સાહન અને પ્રભુતા અપાવવા પ્રયત્ન કર્યો છે. હૈયાંને હૂંફ વળે-શાતા વળે એવી સાચી સમજણ આપી છે સાવ સરળ શબ્દોમાં....

      ‘મારી વાડીના ભમરલા વાડી વેડીશ માં...’ ભજનમાં દાસી જીવણે સંસારની દરેકે દરેક ચીજનો ઔચિત્યસભર આસ્વાદ લેવાનું કહીને કેવું સૂક્ષ્મ ચિંતન રજૂ કર્યું છે ? માનવ સમાજના ઉર્ધ્વીકરણ માટે માનવની પાશવી વૃત્તિઓના ભંડારને સુગંધી પુષ્પ કે કળી જોઈ ત્યાં એને ચૂંટી લઇ સુગંધ લીધી ન લીધી ને ચોળી નાંખવી એવી માનવસહજ વૃત્તિને ખંખેરી નાખી, શુદ્ધ-સાત્વિક ભાવો જન્માવવાનું લક્ષ્ય કેન્દ્રમાં રાખીને દાસી જીવણ લખે છે :
‘વેડીશ મા રે ફૂલડાં તોડીશ મા....
મારી વાડીના ભમરલા વાડી વેડીશમા....
મારી રે વાડીમાં એક ચંપા કેરું ઝાડવું....
ફોરમ્યું લેજે પણ ફૂલડાં તોડીશ મા....
મારી વાડીના ભમરલા....’

      ભમરલા જેવી ચંચળવૃત્તિ ધરાવતા માનવીને જ્યાં કંઈક સૌંદર્ય જેવું દેખાયું ત્યાં ઝપટ કરી એનો આસ્વાદ પોતે એકલો જ લઈ લે એવી સ્વાર્થવૃત્તિ ધરાવનાર પામર પ્રાણીને સ્વાર્થવૃત્તિ છોડવાનો ઉપદેશ આ રચનામાં અપાયો છે.

      વારંવાર પોતાના વિચારો-સંકલ્પોમાં સ્થિરતા ન રાખી શકનાર માનવીના પાખંડી આચારો-વિચારો અને કૃત્રિમ બાહ્યાડમ્બર તરફ આછો વ્યંગ્ય કરતાં ગાયું કે ક્ષણે ક્ષણે જુદા રંગો ધારણ કરતા કાચંડા જેવા મનુષ્યો સાથે કદીયે બેસવું જોઈએ નહીં. એની સાથે બેસવાથી, એનો સંગ કરવાથી આપણી પોતાની આબરૂ ખોવાનો વખત આવે છે.
‘ એવા દોરંગા ભેળાં રે નવ બેસીએ રે જી....
એજી એમાં પત રે પોતાની જાય....
એવા દોરંગા ભેળાં નવ બેસીએ.....’

      અને આવા માણસો ઘડીક ઘોડે ને ઘડીક પેગડે હોય તો ઘડીકમાં ‘વાટુંના વેરાગી’ રસ્તામાં ભટકતા ભિખારી બની જાય, એને ગુરુ થતાંયે આવડે ને ચેલકા બની જતાંયે કંઈ વાર ન લાગે. ઘડીકમાં તો એ પીર થઈને પૂજાવા માંડે પારકાં દુઃખે જેને જરાયે દુઃખ નથી થતું એવા કામી, ક્રોધી, લોભી અને લાલચુ જનોની વાત કરતાં દાસી જીવણ કહે છે કે એવા લોકોને માટે ભક્તિનું ક્ષેત્ર પણ રમતનું મેદાન જ છે, એને તો :
‘ઘડીક રંગ ચડે ઘડીક ઊતરે,
ઘડીમાં ઈ ફટકિયાં થઈને ફૂલાય :
એવા દોરંગા ભેળા રે નવ બેસીએ....’

      સંસારમાં રહીને સદગુરુની સાચી સહાયતાથી સદાચાર અને સેવાની ભાવના કેળવી પરમાત્માની ઉપાસના કરવાની શીખ આપતાં માનવજીવનની વિવિધ વિટંબણાઓમાંથી માર્ગ કાઢવાની પ્રેરણા પણ આપી છે લોક સંત-ભજનિકોએ પોતાનાં ઉપદેશ અને બોધના ભજનોમાં... આ પ્રમાણે ભજનોમાં ઉપદેશનું તત્વ માનવ માત્રને સદવ્યવહાર નીતિપૂર્ણ જીવનની શીખ આપવાની સાથોસાથ પરબ્રહ્મ પરમાત્માની સાધના, ઈશ્વરના સ્વરૂપ અને સામર્થનું ભાન પણ કરાવે છે : દાસી જીવનણની ભજનસૃષ્ટિને આધારે ભજનમાંના બોધ-ઉપદેશના સ્વરૂપને દર્શાવવાનો આ લઘુ પ્રયાસ છે.


0 comments


Leave comment