29 - સંત-ભજનિકોની ‘ભજનવાણી’માં યોગસાધના / ભજનમીમાંસા / ડૉ.નિરંજન રાજ્યગુરુ


      આપણી ‘સંતવાણી’ની એક પરંપરા જ ચાલી આવે છે કે દરેકે દરેક ભજનિક સંતની ‘વાણી’માં યોગસાધના સંબંધી કેટલીક રચનાઓ તો જરૂર મળી આવે. અને એ રીતે અનેકવાર ભાષા અને અભિવ્યક્તિની એક સરખી છટા ભિન્ન ભિન્ન ભજનિક સંત-કવિઓની રચનાઓમાં જોવા મળતી રહે. ક્યારેક આપણા વિદ્વાનોને એમાં કબીર કે બીજા પુરોગામી સંતોના ઉચ્ચારણોનું પુનરાવર્તન કે આંધળું અનુકરણ થતું લાગે છે, પરંતુ જ્યારે એ ભજનવાણીનું તટસ્થભાવે પરિશીલન થાય ત્યારે જ ખ્યાલ આવી શકે છે કે આવા પરંપરિત લાગતા પ્રયોગોમાંયે દરેકનું નિરાળું વ્યક્તિત્વ પોતાની છાપ મૂકી ગયું છે. મકરન્દભાઈએ કહ્યું છે, ‘સંતોની દુનિયામાં મૌલિકતાનો એટલો આગ્રહ નથી જેટલો મૌલાને કોઈપણ રીતે મળી જવાનો છે.’ [મકરન્દ દવે, ‘સત કેરી વાણી’ પ્રસ્તાવના પૃ.૬૧]

      આ રીતે શબ્દોના વપરાશમાં કે અભિવ્યક્તિમાં પોતાનું કે પારકું એવા કશાયે ભેદને નજર સામે રાખ્યા વિના પોતાની જે અધ્યાત્મવિષયક-યોગવિષયક અનુભૂતિ છે એને સચ્ચાઈપૂર્વક પોતાની વાણીમાં શબ્દદેહે રજૂ કરવાની જ સંતોની નેમ રહી છે. સૌરાષ્ટ્રના લોકસંતોનાં ભજનોમાં પણ આપણને ભારતવ્યાપી ‘સંતવાણી’નું આ લક્ષણ તરવરતું લાગે.... અનુભવના સામ્યને કારણે અને એ વિષયના ગૂઢાતિગૂઢ ભાવોને વ્યક્ત કરવાની શબ્દશક્તિની મર્યાદાને કારણે એકના એક શબ્દો અનુભવોના પુનરચ્ચારણ થતું રહ્યું છે એમ ભજનોનો ઉપરછલ્લો અભ્યાસ કરતાં યોગસાધનાનાં ભજનોમાં દેખાઈ આવે. પણ જ્યારે ભજનોની ભીતરમાં રમમાણ કરીએ ત્યારે ખ્યાલ આવે કે એમાં દરેક કવિની નીજી સંવેદનાને પણ અવકાશ રહ્યો છે, એ રચનાઓમાં દરેકે પોતાનું કંઈક એવું તત્વ ઉમેરી દીધું છે કે જે અન્ય કવિઓની ‘ભજનવાણી’ કરતાં એ રચનાઓને જુદી પાડી દે.

      પરંપરાથી ચાલી આવતી યોગસાધનાનું આલેખન પોતાના ભજનોમાં આ કવિ-ભજનિકો કરે છે ખરા પણ એમાં એમની મૌલિક સ્વતંત્ર સ્વાનુભૂતિનો રંગ છંટાયો છે. અલબત્ત જ્યારે સમગ્ર ભજનસાહિત્યનાં આનુષંગે એમ કહેવાયું હોય કે દરેક દરેક ભજનિક સંતની યોગવિષયક રચનાઓમાં પોતાની નિજી સંવેદનાનું આલેખન થયું છે તો તે વિધાનને સંપૂર્ણ સત્ય ન માની શકીએ. કેટલાંક ભજનોમાં તો માત્ર કબીર, નરસિંહ, મીરાં, સૂરદાસ કે અન્યપુરોગામીઓનું આંધળું અનુકરણ થયું હોય એવું પણ જણાઈ આવે છે, પણ એ કારણે સમગ્ર ગુજરાતી ભજનસાહિત્ય વિશે સોરઠી સંતવાણી વિશે એવો અભિપ્રાય બાંધી શકાય નહીં.
સૌરાષ્ટ્રના ભજનિક સંત-કવિઓની ‘ભજનવાણી’માં –
‘ઉલટા સુલટા આસન કરલે, વંકનાળના વાસી...’
+++
‘ઇંગલા પિંગલા સુખમન સાધી, ઉલટા પવન ચડાય’
+++
‘નાભિ કમલથી નટવા ચડિયા, પવન પુરુષ પલટાયા જી....’
+++
‘જાપ અજંપા સો ઘર, નાંય, ચંદ્ર સૂર ત્યાં પોંચત નાંય...’
+++
ઓહં સોહં કી ઝલમલ જ્યોતિ, ચાંદો સૂરજ માંય દીપક ઝરે રે
પૂરવી ગંગા પછમ પ્રકાશી, ગગન ગુફામેં ગવન કરે રે....’
(દાસી જીવણ)

      - જેવી પંક્તિઓમાં વારંવાર હઠયોગની સાધના વિશે ઉલ્લેખો આવે છે. એ ભજનોમાં વપરાયેલી હઠયોગપરક પારિભાષિક સંજ્ઞાઓ અને સાધનાપ્રણાલી જાણવા માટે સમગ્ર સંતસાહિત્યમાં અને સંતજીવનમાં યોગનું શું સ્થાન છે. સાધનાની દૃષ્ટિએ યોગમાર્ગની સાધના પદ્ધતિ કેવી છે, યોગના વિવિધ પ્રકારો ક્યા ક્યા અને યોગના વિભિન્ન અનુભવોનું આલેખન સંતોએ પોતાની વાણીમાં કેવી રીતે કર્યું છે એ બાબતો વિશે જાણકારી મેળવવી અત્યંત આવશ્યક છે.

      ‘યોગ’ શબ્દ વિશે આપણે ત્યાં સામાન્ય જનસમાજમાં ઘણી ગેરસમજૂતી પ્રવર્તે છે. ‘યોગ’ શબ્દ સાંભળતાં જ જનસમુદાયના મનમાં ભયંકર ત્રાટક, મારણ, વશીકરણ, ઉચ્ચાટન વગેરે તાંત્રિક પ્રયોગો કરતા અઘોરી કે હઠયોગીઓની છબી ચિત્રિત થઈ જાય છે. તેથી ‘યોગ’ એટલે ‘અઘોરીની વિદ્યા’ એવો અર્થ પણ આપણા લોકમાનસમાં રૂઢ થઇ ગયો છે.

      સાધનાની જટિલતાને કારણે અને એમની દાર્શનિક તથા સૈધ્ધાંતિક શબ્દાવલી રહસ્યમયી બની જવાને કારણે લોકસમાજમાં યોગ વિશેની ભ્રામક માન્યતાઓ આજે પણ ચાલુ છે. ગૂઢ અને ગુહ્ય એવી આ વિદ્યા અમુક સાધકો પૂરતી જ મર્યાદિત રહી હોવાને પરિણામે સામાન્ય જનસમૂહ એનાં પરંપરિત પ્રતીકોનો અર્થ સમજી શકતો નથી.


0 comments


Leave comment