30 - ‘યોગ’ શબ્દ વિચાર / ભજનમીમાંસા / ડૉ.નિરંજન રાજ્યગુરુ
ધર્મ અને અધ્યાત્મના દેશ તરીકે જાણીતા બનેલા ભારતમાં ‘યોગ’ શબ્દનું પ્રાચીન કાળથી જ ઘણું મહત્વ રહ્યું છે. અને એ રીતે ‘યોગ’ શબ્દ આપણે ત્યાં નવો કે આયાત કરેલો નથી પણ અત્યંત પ્રાચીન પરંપરાથી ઊતરી આવેલો શબ્દ છે.
સંસ્કૃતની ‘યુજ્’ ધાતુ પરથી વ્યુત્પન્ન થયેલા આ શબ્દે આપણા વિદ્વાનો પાસે ઘણી તાત્વિક વિચારણાઓ કરાવી છે.
‘ભક્તિ કાવ્યમે રહસ્યવાદ’ ગ્રંથના લેખક ડૉ.રામનારાયણ પાંડે ‘યોગ’ શબ્દ વિશે જુદા જુદા વિદ્વાનોએ કરેલી ચર્ચા-વિચારણાની નોંધ આપીને તેનો નિષ્કર્ષ આપતાં કહે છે : ‘પાણિનીનાં વ્યાકરણમાં ‘યુજ્’ ધાતુ ત્રણ પ્રકરણોમાં જુદાં જુદાં અર્થોમાં પ્રયોજાઈ છે. દિવાદિ ગણના ‘યુજ્’ નો અર્થ છે સમાધિ, રુધાદિ ગણના ‘યુજ્’નો અર્થ છે સંયોગ અને ચુરાદિ ગણમાં વપરાયેલા ‘યુજ્’નો અર્થ છે સંયમન. વિદ્વાનોએ, ‘યોગ’ શબ્દ આ ત્રણે વિભિન્ન અર્થો ધરાવતી ધાતુમાંથી વ્યુત્પન્ન થયો છે એમ કહીને ‘યોગ’ શબ્દના અનેક અર્થો આપ્યા છે. પણ એ બધા રૂઢ અર્થોનું મૂળ એ યૌગિક અર્થ જ છે કે : ‘બે પદાર્થોનું મિલન અથવા સંયોગ એટલે યોગ.’ [ડૉ.રામનારાયણ પાંડે. ભક્તિ કાવ્યમે રહસ્યવાદ, પૃ.૩૧૬]
0 comments
Leave comment