32 - ‘યોગ’ના વિવિધ અર્થ અને વ્યાખ્યા / ભજનમીમાંસા / ડૉ.નિરંજન રાજ્યગુરુ


      મહર્ષિ પતંજલિએ ‘યોગસૂત્ર’ની રચના કરી યોગને દર્શનના રૂપમાં પ્રતિષ્ઠિત કર્યો. તેમણે યોગની વ્યાખ્યા આપતાં કહ્યું : ‘યોગ : ચિત્તવૃત્તિ નિરોધ:’

      આમ મનને આડુંઅવળું ભટકતું અટકાવવા જે પ્રવૃત્તિ કરવામાં આવે છે તેને યોગ કહી શકાય એવો સાત્વિક અર્થ એમાંથી નિષ્પન્ન થાય છે. મનને પકડીને શાંત કરનાર તે યોગ, ચિત્તની ચંચળતાને કાબૂમાં રાખી શકે તે યોગ, મનના આવેગોની આસક્તિઓ પર નિયંત્રણ રાખી શકે તે યોગ... એમ ઠેકઠેકાણે યોગ વિષે વિદ્વાનોએ વ્યાખ્યા આપતાં રોગનાં લક્ષણો બતાવ્યાં છે.

      મહર્ષિ યાજ્ઞવલ્ક્ય ‘જીવાત્મા તથા સર્વોપરિ આત્માના સંયોગનું નામ જ યોગ છે’ એમ સૂચવે છે. [સંયોગા યોગ ઈત્યુક્તો જીવાત્મ પરમાત્મનો: (અહિર્બૃદન્ય સંહિતા) – યાજ્ઞવલ્ક્ય {ભારતીય અસ્મિતા : સ્મૃતિગ્રંથ પૃ.૪૩૧, યોગદર્શન અને વિવિધ યોગ પ્રકારો – પ્રા.ચન્દ્રિકા પાઠક પરથી ઉધ્ધૃત}] જ્યોતિરૂપ સનાતન ઇષ્ટનું ધ્યાન ધરીને પરમાત્મા સાથે પોતાના આત્માનો સંયોગ સ્થપાય એવી ભાવના સાથે જે ક્રિયા યોગીઓ કરે છે એને યોગ તરીકે ઓળખાવતાં યાજ્ઞવલ્ક્યે યોગનું સ્વરૂપ સ્પષ્ટ કર્યું છે.

      આપણે ત્યાં વૈષ્ણવ પુરાણોમાં પણ યોગ વિશે ઊંડી વિચારણા થઇ છે. જો કે વૈષ્ણવ ગ્રંથોમાં યોગનું સ્થાન જ્ઞાન અને ભક્તિના એક અંગ તરીકેનું છે. શાંડિલ્યે પોતાનાં સુત્રોમાં કહ્યું છે કે ‘યોગ જ્ઞાન અને ભક્તિ બંનેનું એક અંગ છે. અર્થાત્ જ્ઞાન અને ભક્તિ બંનેનું સાધના અંગ એટલે યોગ.’ [નાગેન્દ્રનાથ ઉપાધ્યાય. નાથ ઔર સંત સાહિત્ય, પૃ.૨૨૬]
      એ જ રીતે પદ્મપુરાણ અને નારદીય પુરાણમાં ‘યોગ’ વિશે સારું નિદર્શન અપાયું છે. [નાગેન્દ્રનાથ ઉપાધ્યાય. નાથ અને સંત સાહિત્ય. પૃ.૨૨૧] પદ્મપુરાણમાં બ્રહ્મભક્તિનાં ત્રણ પ્રકારો અપાયા છે, જે અનુક્રમે કાયિક, વાચિક અને માનસિક, અથવા લૌકિકી, વૈદિકી અને આધ્યાત્મિકી એમ ત્રણ પ્રકારો છે. એમાં આધ્યાત્મિક ભક્તિના બે પ્રકારો છે. સાંખ્યભક્તિ અને યોગભક્તિ.

      યોગભક્તિમાં પ્રાણાયામનો અભ્યાસ અને પરિબ્રહ્મનું ધ્યાન સમાવિષ્ટ થાય છે એમ કહેવાયું છે. જ્યારે નારદીય પુરાણમાં યોગને ‘બ્રહ્મલય’ એવું નામ અપાયું છે. એમાં જણાવ્યા પ્રમાણે મન જ બંધન અને મુક્તિનું કારણ છે, બંધનનો અર્થ છે ઇન્દ્રિય વિષયોનો સંભોગ, અને મોક્ષનો અર્થ છે એનાથી વિમુક્તિ... જ્યારે ચુંબકની જેમ આત્મા મનને અંદરની તરફ આકર્ષિત કરે છે અને એની ક્રિયાઓને આંતરિક દિશાઓની તરફ પ્રેરિત કરે છે, અંદર રહેલા બ્રહ્મ સાથે એકાત્મભાવ સ્થાપિત કરે છે ત્યારે યોગ સિદ્ધ થાય છે, એને જ ‘યોગ’ કહે છે. [આત્મ પ્રયત્ન સાપેક્ષ વિશિષ્ટાયા મનોગતિ : | તસ્યા બ્રહ્મણી સંયોગો યોગ ઈત્યભિધીયતે || નારદીયપુરાણ. (નાથ અને સંત સાહિત્ય – નાગેન્દ્ર ઉપાધ્યાય, પૃ.૨૨૨ પરથી ઉધ્ધૃત)]

      શ્રીમદ્ ભગવદગીતામાં જ્ઞાનને કર્મમાં કુશળતાપૂર્વક ઢાળવાની રીતિને યોગ કહી શ્રીકૃષ્ણે કહ્યું છે કે, યોગ: કર્મસુ કૌશલમ્. વિષય જગતમાંથી ઈન્દ્રિયોને ખેંચીને આંતર્મુખી એકાગ્રતા દ્વારા પ્રભુ સુધી પહોંચવાના માર્ગને યોગ તરીકે ઓળખાવી – ‘જીવાત્માને પરમાત્મા સાથે જોડવો અથવા તો સાંખ્ય તત્વજ્ઞાનને અનુભવમાં ઉતારવું એટલે યોગ સાધવો.’ આવો યોગ શબ્દનો મૂળ અર્થ પતંજલિ કરતાંયે ઘણો પ્રાચીન છે. તેનાં મૂળ તત્વો છેક સંહિતા બ્રાહ્મણ કે ઉપનિષદોમાં છે. ક્યાંક સંકેતરૂપે તો ક્યાંક વિસ્તૃત સ્વરૂપે પ્રાણની ઉપાસના અને યોગવિદ્યાની મહત્તા દર્શાવાઈ છે. અને એ ગ્રંથોમાં પડેલા યોગનાં આસન, પ્રાણાયામ, ધ્યાન, ધારણા, સમાધિ વગેરે અંગોને પાછળથી ચિંતકોએ યોગ સૂત્રમાં ગોઠવીને મૂક્યા. ક્રમશ: તેનો વિકાસ થતો ગયો અને દાર્શનિકોએ પોતપોતાની રીતે એને સમજાવવાના યત્નો કર્યા. પતંજલિના યોગસૂત્રો ઉપર અનેક ટીકાઓ લખાઈ, એ ઉપરાંત યાજ્ઞવલ્ક્ય સંહિતા, સિદ્ધ સિદ્ધાંત પદ્ધતિ, ગોરક્ષ શતક, ખેચરી પટલ, ઘેરંડ સંહિતા, હઠયોગ પ્રદીપિકા, યોગસારસંગ્રહ, શિવસંહિતા, યોગબીજ, યોગ તારાવલી ષટુચક્ર નિરૂપણ અને યોગવિચાર જેવા ગ્રંથોમાં યોગનું વિવિધ રૂપે નિરૂપણ છે.

      આમ અનેક ચિંતકો દ્વારા દીર્ધકાલપર્યંત વિચારાયેલો અને વિકાસ તથા વિસ્તાર પામેલો આ યોગમાર્ગ વ્યક્તિની અપેક્ષા કે પાત્રતા મુજબ અનેક રીતે દર્શાવાયો છે. એની લોકપ્રિયતા અને ઉપયોગિતાને લીધે એક સમય એવો પણ આવ્યો કે જ્યારે વિવિધ વિચારધારાઓ સાથે પણ ‘યોગ’ શબ્દ જોડાવા અલાગ્યો. ગીતા જેવા ગ્રંથે તો પ્રત્યેક અધ્યાયને ‘યોગ’ એવી સંજ્ઞા આપી. સમગ્ર ગ્રંથ યોગશાસ્ત્ર તરીકે તથા તેના ગાયક યોગેશ્વર તરીકે ઓળખાવા લાગ્યાં એ જ રીતે વૈદકની પરિભાષામાં પણ ‘યોગ’ શબ્દ વપરાયો છે. જ્યાં સુધી ચિત્તની વૃત્તિઓ ચંચળ રહ્યા કરે છે ત્યાં સુધી પૂરી દૃઢતાથી પરમતત્વની ઉપાસના થઈ શકતી નથી. અને એ વૃત્તિઓની ચંચળતાને કાબૂમાં રાખવા માટે યોગસાધના એક અત્યંત આવશ્યક જરૂરિયાત છે. વિવિધ આસનોના અભ્યાસ દ્વારા શરીરને વશમાં રાખી, પ્રાણને પોતાના કહ્યામાં રાખી ચિત્તવૃત્તિઓને શાંત કરી દેવાની આ સાધના સંતોના જીવનમાં અને એમની રચનાઓમાં અગત્યનું સ્થાન ભોગવે છે.

      પ્રાણવાયુના નિરોધથી પંચભૂતાત્મક જ્ઞાન મેળવી પોતાના ઇષ્ટ મંત્રને હૃદયકમળમાં પધરાવી, પાંચે ઈન્દ્રિયોને સ્થિર કરી સંતોએ જે રહસ્યાત્મક જ્ઞાનની પ્રાપ્તિ કરી છે તેનું પોતાની વાણીમાં નિરૂપણ કર્યું છે.


0 comments


Leave comment