33 - સંતોની વાણીમાં વિવિધ યોગના પ્રકારો / ભજનમીમાંસા / ડૉ.નિરંજન રાજ્યગુરુ
સંતોની વાણીમાંથી આપણને યોગના જુદા જુદાં પ્રકારોની વિભિન્ન સાધનાઓ વિષે માહિતી મળે છે. આમ તો યોગમાર્ગમાં મંત્રયોગ, હઠયોગ, લયયોગ, રાજયોગ, શબ્દયોગ, સમાધિયોગ, કર્મયોગ, અષ્ટાંગયોગ, સૂરત-શબ્દયોગ, સિદ્ધયોગ, જ્ઞાનયોગ, ભક્તિયોગ, નાદયોગ, કુંડલિની શક્તિ યોગ, શિવયોગ, તારક યોગ અને ધ્યાનયોગ વગેરે શબ્દો વિવિધ પ્રકારો માટે વપરાય છે. એ જ રીતે અનેકવિધ માર્ગોનો પણ ઉલ્લેખ મળે છે. પિપીલિકામાર્ગ, વિહંગમ માર્ગ, મીન માર્ગ અને મર્કટમાર્ગ [ડૉ.રામમૂર્તિ ત્રિપાઠી. તંત્ર ઔર સંત. પૃ.૨૩૬] વગેરે જુદા જુદા રસ્તાઓ દ્વારા પરબ્રહ્મની પ્રાપ્તિ એ જ મુખ્ય લક્ષ્ય સિદ્ધ કરવાનું ધ્યેય આપણા સંતોએ રાખ્યું છે. સમસ્ત યોગો અને માર્ગો પરસ્પર એકાન્વિત છે. વસ્તુત: જ્ઞાન, ભક્તિ અને યોગ દ્વારા આત્મસાક્ષાત્કાર અને અનુસંધાનની ભાવના જ એમાં કામ કરે છે. સંતો કર્મયોગને માને છે, મંત્રયોગને માને છે, અને હઠયોગને પણ માને છે. લયયોગ દ્વારા નાદબ્રહ્મની ઉપાસના અને એ દ્વારા કુંડલિની શક્તિની જાગૃતિનું જ લક્ષ્ય નજર સામે રાખીને સંતોએ ‘યોગમાર્ગ’માં ડગલાં ભર્યા છે. એ જ રસ્તે ચાલીને ભક્તિયોગમાં નવધાની આરાધના કરી, હઠયોગમાં અષ્ટાંગયોગ સાધીને, યમ, નિયમ, આસન, પ્રાણાયામ, પ્રત્યાહાર, ધ્યાન, ધારણા અને સમાધિ દ્વારા ગુરુ આજ્ઞા મુજબ સાધનાક્ષેત્રમાં પ્રવેશ કરીને, અને જ્ઞાનયોગ દ્વારા વેદાંતનું તત્વજ્ઞાન-તત્વચિંતન મેળવીને દાસી જીવણે પરંપરાથી ચાલી આવતી વિશિષ્ટ સંતસાધનાની જ્યોત જલતી રાખી છે.
0 comments
Leave comment