5.11 - ઠાકર કરે ઈ ઠીક.... / સંવાદ / જ્વલંત છાયા


      ‘હાઉઝ ધેટ!!!’ એવી એક બૂમ ક્રિકેટના મેદાન પર પડે, અમ્પાયર આંગળી ઊંચી કરે અને એક માણસની ઇનિંગનો અણધાર્યો અંત... ઇંગ્લેન્ડ સામેની શ્રેણીમાં ફરી એકવાર અમ્પાયરો ચર્ચાસ્પદ રહ્યા. સચિન અને રાહુલને ખોટા આઉટ આપ્યા તેનાથી દેશભારના ક્રિકેટરસિકો દુઃખી થયા અને અમ્પાયરના નિર્ણય સામે જરા પણ ‘ના યાર હું ક્યાં આઉટ છું...’ એવું કહ્યા વગર બેટ્સમેન પેવેલિયનમાં જતા રહ્યા...? કેમ સત્તા પાસે શાણપણ નકામું છે એટલે ? ના, ફ્રેન્ડઝ થોડી ગેરસમજ છે. આંખ ઝીણી કરી જુઓ તો અમ્પાયર એ ગ્રાઉન્ડ પરની આખરી સત્તા જ નથી એ એક સિસ્ટમ છે, પૂર્વ નિર્ધારિત પદ્ધતિ અને યોજના છે અને આપણે બધાએ આ જ કરવાનું છે. વર્ષો સુધી ભલે આપણે સ્વતંત્ર રહીએ પણ ક્યાંક ને ક્યાંક કોઈ એક સિસ્ટમનો ભાગ આપણે બનવું પડે છે. કોઈને એવું લાગે કે આપણે ભોગ બન્યા પણ એ સિસ્ટમનો ભાગ છે.

      સારું રમવું, સારી બેટિંગ કરવી, સદી ફટકારવી એ બધી જ સિદ્ધિ છે. પરંતુ, સ્પોર્ટસમેન સ્પિરિટ, ખાનદાની એ છે કે બધું જ સારું હોવા છતાં જ્યારે અમ્પાયરની આંગળી ઊંચી થાય ત્યારે ગ્રાઉન્ડ છોડી દેવું. માત્ર ક્રિકેટ જ નહીં જિંદગીના અનેક પાસાં એવાં છે જ્યાં કોઈ ને કોઈ આપણને આઉટ કરવા માટે ખોટી અપીલ કરે છે. અમ્પાયરને ફોડે છે, ક્યારેક કુદરત પોતે અમ્પાયર બનીને ખોટા નિર્ણય આપતી હોય એવું લાગે... પણ ‘જે ગમે જગત ગુરુદેવ જગદીશને તે તણો ખરખરો ફોક કરવો....’ એ પંક્તિ સમારી લેવી જોઈએ.

      વાત પલાયનવાદ કે વધુ પડતી સ્વીકૃતિ તરફ જઈ નથી રહી. ઓકે, લેટ્સ થિંક મોર. આપણે બધા જ એક સિસ્ટમમાં જ જીવતા હોઈએ છીએ. બાળક જન્મે ત્યારથી કુટુંબની માતા-પિતાની સિસ્ટમમાં જીવવાનું શરુ કરે છે. ‘સ્વેટર પહેર, ધૂળમાં ન રમ, ટીવી ન જો....’ બાળકને કંટાળો આવે તો પ્લેહાઉસમાં જવું પડે – મમ્મી અમ્પાયર છે. (પપ્પા થર્ડ અમ્પાયર બની શકતા નથી હોતા...) સ્કૂલમાં યુનિફોર્મ જ પહેરવાનો, શૂઝ જ પહેરવાના – મેડમ અમ્પાયર છે. આ આખો દોર લંબાયે રાખે છે. લગ્ન એક સિસ્ટમ છે. લગ્ન વગર બે વિજાતીય વ્યક્તિ મનથી સાથે રહે તો વ્યભિચાર ગણાય છે, એકબીજાને વેંઢારીને આખું જીવન વિતાવે એ વ્યવસ્થા કહેવાય, સિસ્ટમ યુ નો.....

      ઓફિસમાં પણ સિસ્ટમ છે. બોસ કહે તેની સામે ન બોલાય, અનુસરાય. ખુલ્લા મનના સર હોય તો દલીલો કરી શકાય બાકી હા સર, જી સર, ઓકે સર કરવાથી કામ સરળ થઇ જાય. એટલે વ્યવસાયમાં પણ આપણે સંપૂર્ણ મનસ્વી રીતે વર્તી ન શકીએ ત્યાં પણ કોઈ ઓથોરિટી છે એ નક્કી કરે છે કે આમ જ થશે. કાં તો આપણે એનો અમલ કરીએ કે પછી ત્યાંથી દૂર થઈએ. મેનેજમેન્ટનું પેલું અમર કવોટેશન છે ને, Bose is always Right એનું ગુજરાતી ભાષાંતર, ઠાકર કરે ઈ ઠીક.....

      સિસ્ટમ કે આવું અનુસરણ એ કંઇ આજના કોર્પોરેટ કલ્ચરનું બચ્ચું નથી પરાપૂર્વથી ચાલે છે. રાજ્યાભિષેક રામનો હતો પણ પિતાએ કહ્યું, નો, યુ વિલ હેવ ટુ ગો ફોર વનવાસ અને રામ જતા રહ્યા. દ્રૌપદીને પરણીને આવ્યા પછી પાંડવોએ કહ્યું, ‘મા જો અમે શું લાવ્યાં ?’ કુંતીએ કહ્યું, ‘પાંચેય વહેંચી લો....’

      માતૃઆજ્ઞા – પિતૃઆજ્ઞા એક સિસ્ટમ હતી. રાજા કહે એટલે સેનાએ નીકળી પડવું, એ સિસ્ટમ હતી. હિટલરના ‘અનુયાયી’ઓએ પોતે શું કરી રહ્યા છે એ ન વિચાર્યું, ત્યાં હાથ આડો રાખી આજ્ઞા પાળવી જ અગત્યની હતી. આપણે સૈનિકો જ છીએ અને આપણું કામ છે, ‘મોગેમ્બોને ખુશ કરવાનું.’ રોજ રોજ દલીલો કરવાથી ચિનુ મોદીના પેલા શેર જેવું જ થાય. ‘ક્યારેક સાચા સામે ક્યારેક કામ સામે, થાકી જવાનું કાયમ તલવાર તાણી તાણી....’

      કોઈ એક વ્યક્તિ કે ઓથોરિટીનો નિર્ણય એ અમ્પાયરની આંગળી છે. ઘણીવાર એવું બને કે, આપણા કરતાં ઓછા સક્ષમ લાગતા માણસોને ઘણું વધારે મળે, પરંતુ એ નિર્ણય પણ અમ્પાયરની આંગળી જ છે. દરેક આંગળી એવી નથી હોતી કે જે પર્વત ઉપાડે અને લોકોનું કલ્યાણ થાય.

      ઈતિહાસ હોય, વર્તમાન હોય, સમાજ હોય કે રાજકારણ હોય બધે જ એક તબક્કો એવો આવે છે ત્યાં માણસે દલીલ કરવાની રહેતી નથી. સામનો કરવાનું સામર્થ્ય હોય, સચ્ચાઈ હોય, કોઈ સાથ આપે તેમ હોય તો પણ નહીં. આ સ્વીકૃતિ, શરણાગતિ, પલાયનવાદ નથી. ‘ગુજારે જે શિરે તારે જગતનો નાથ તે સહેજે, ગણ્યું જે પ્યારું પ્યારાએ અતિ પ્યારું ગણી લેજે....’ એ શેરનો સંદર્ભ અહીં જુદો છે. એક વાત સ્પષ્ટ છે કે, આપણને ગમે કે ન ગમે આપણે એક નિર્ધારિત વાતાવરણમાં જ રહેવાનું છે. એને બદલવામાં ઉર્જા વેડફાઈ જશે પણ એ માહોલ કંઇ એમ નહીં બદલાય એટલે વિશ્વ સાથે તાલ મેળવવાનો છે. બનેલી સિસ્ટમને ફોલો કરવાની છે. હા, જ્યાં સિદ્ધાંતો, મૂલ્યો, વૈચારિક સ્ટારનું તદ્દન હ્રાસ થતો લાગે ત્યાં ખુમારી ભલે ફૂટી નીકળે પરંતુ ડે ટુ ડે જીવનમાં આ ખોટું, હું જ સાચો એવું કહેવાથી કાંઈ નહીં થાય....

      સિસ્ટમને અપનાવવાની છે, એ લાઈફટાઈમ છે. જન્મીને મોટો થતો માણસ છેલ્લે સુધી સિસ્ટમનો ભાગ જ રહે છે, અને સાચી મજા તો ક્યાં છે ખબર છે ? કોઈ અપીલ કરે, આંગળી ઊંચી થાય એ પહેલા જ દાવ ડીકલેર કરી દેવો. આઉટ થવું એ સિસ્ટમ છે, કારકિર્દીની ટોચ પર પહોંચીને સામેથી કોઈ ક્ષેત્રને સ્વમાનભેર છોડી દેવું એ સિદ્ધિ છે. આપણે મેદાન નહીં છોડીએ તોય અમ્પાયર તો આંગળી ઊંચી કરશે જ.

      જિંદગીની રમતમાંય એવું થશે. આપણે સારાં પ્લેયર હોઈશું, સારી ઇનિંગ્સ હશે, ચોક્કા માર્યા હશે, સિક્સ મારી હશે, સદીની નજીક હોઈશું પણ હાર્ટએટેક કે હેમરેજની અપીલ થશે તો આંગળી ઊંચી થશે. આપણે ક્યાં દલીલ થશે તો આંગળી ઊંચી થશે. આપણે ક્યાં દલીલ કરી શકવાના ? કે હજી બે ઓવર રમવા દો ને.... નો, આઉટ. હા, ઘણા હીટવિકેટ થાય છે એટલે કે, આપઘાત કરે છે. ઘણાય આઉટ થવા માટે સ્ટંપ છોડીને રમે છે તોય બોલ્ડ નથી થતા... સિસ્ટમ છે. અમ્પાયરને આઉટ આપો કે ન આપો બેમાંથી કાંઈ કહેવાતું નથી.


0 comments


Leave comment