6.1 - જાને કયું સાવન કી ઋતુમેં ઝખ્મ હરે હો જાતે હૈ ! / સંવાદ / જ્વલંત છાયા


      નરસિંહ મહેતાના ગામ જૂનાગઢનાં ફકીરી મિજાજનાં કવિ શ્યામ સાધુની ગઝલનો એક ફેન્ટાસ્ટિક શેર છે, ‘વસ્ત્ર ભીના હો નિતારી નાંખીએ, પણ ઉદાસી ક્યાં જઈ ઉતારી નાંખીએ ?’ બે જ મિસરામાં કેવી ધારદાર હકીકત આ માણસે કહી દીધી છે? વસ્ત્રો સમાન વ્યવહારો તો ધોઈ નાંખીએ, બદલી નાંખીએ, ઈસ્ત્રી કરી ફરી પહેરી લઈએ-ખંખેરી નાખીએ. પણ ક્યારેક જેણે મનની ત્વચાનું સ્થાન લઈ લીધું હોય તેવી ઉદાસીને ક્યાં અને કેમ ઉતારવી ? ઋતુએ ઋતુના ફળ અને ફૂલ હોય પરંતુ ઉદાસી ક્યારેક બારમાસી હોય ! પણ એવું ય બને કે ઉદાસીની પણ ઋતુ હોય ? એટલે સાવ એમ નહીં કે આ તારીખે તે શરુ થાય ને આ દિવસે પૂર્ણ, પરંતુ કેટલોક ગાળો, કેટલોક અરસો ઉદાસીનો હોય શકે. ભાવનગરમાં વસતા અને મિત્રોના હૈયે બિરાજતા ચૈતસિક ચિંતક સુભાષ ભટ્ટનું એક પુસ્તક છે, ‘ જિબ્રાન – જીવન અને પ્રેમપત્રો.’ ખલિલ જિબ્રાન વિશે શરુ કરતાં પહેલાં તેમણે જે લખ્યું છે તેમાં સોનાના તાર જેવું એક વિધાન છે તે કંઈક આવું છે. ‘ઈશ્વર જેને પ્રેમ કરે છે તેની સેવા માટે તેની સર્વાધિક વિશ્વસ્ત દાસી ઉદાસીને મોકલી દે છે જે વ્યક્તિના છેલ્લા શ્વાસ સુધી તેને આલિંગનમાં રાખે છે.’ મીન્સ આ એમ કાંઈ પીરિયોડીકલ નથી પરંતુ હા, કેટલોક સમય એવો આવે જ્યારે તેનું પેલું આલિંગન ગાઢ બને, તેનો પાશ મજબુત બને !! અને તેને ઋતુ સાથે સીધો સંબંધ છે. હું જ નહીં, સાઇકીયાટ્રીસ્ટો પણ એમ કહે છે – (ક્યારેક ડોકટર અને પેશન્ટ બંને સરખી વાત કરે તેવું કાં ?)

      આ કોઈ જ નેગેટિવ વાત નથી, પ્રમાણિત સત્ય છે. વરસાદે ધરતીને તરબોળ કરી દીધી હોય, મનોરમ દૃષ્ટિથી આકાશનું અંતર ભીંજાઈ ગયું હોય અને તે ભીનાશ છેક આપણા સુધી ઊતરી આવી હોય, પ્રકૃતિ લીલાં તૃણ અને ઘટાટોપ વૃક્ષોનાં માધ્યમથી તેના અસ્તિત્વનો પરિચય કરાવે, તો ખળખળ વહેતા પાણીમાં તો નિસર્ગના નર્તનનો અવાજ સંભળાય ત્યારે મન તો મોર બનીને થનગનાટ કરે, તેના બદલે તે ડામાડોળ કઈ રીતે હોઈ શકે ? પરંતુ એવું હોય છે આ એક એવો સમય છે જેમાં માણસ ડિપ્રેશન અથવા તો થોડું વિચલિત મન હોવાની અનુભૂતિ કરે. વરસાદ, ચોમાસું એવું ઋતુ છે જેમાં માણસ નોસ્ટાલ્જિક થઇ જાય. જૂના મિત્રો, જૂના સંબંધો, જૂનો સમય તેને યાદ આવે. ક્યારેક યાદ મહોરે તો ક્યારેક દિલને કોરે. વાતાવરણની અસર મન પર થાય છે. સુલતાન ખાનની સારંગીના સથવારે ભૂપિન્દર મિતાલીએ ગાયેલું એક ગીત આ આખો સવાલ ઊભો કરે છે, જવાબ પણ આપે છે. ‘જાને ક્યું સાવનકી ઋતુ મેં જખ્મ હરે હો જાતે હૈ, શાયદ યૈ બાદલ કે ટુકડે તેરે ગાંવ સે આતે હૈ...’

      વરસાદ કે વાદળછાયા વાતાવરણને લીધે માણસનું મન વિચલિત શા માટે હોય કે પછી યાદોની ગલીમાં તેને દોડવાનું મન કેમ થાય તેના માટે શબ્દો, કવિતાઓને બદલે સીધા જ સાઈક્યાટ્રીસ્ટનાં સહારે એટલા માટે જવું જોઈએ કે કોઈ એવું ન કહે કે, આવું તે કંઇ હોતું હશે ? મનની એ હાલતને સેડ કહેવાય છે. જેનું ફૂલફોર્મ થાય છે સિઝનલ અફેકટેડ ડીસઓર્ડર એટલે કે ઋતુગત અસરોને લીધે મનની અવસ્થામાં થતો ફેરફાર. આપણા શાસ્ત્રોએ સૂર્યનો જે મહિમા ગાયો છે આ વિરાટ ઉર્જા સ્ત્રોતને આપણે નમન કરીએ છીએ. તેનું કારણ એ છે કે, તેની ગેરહાજરી જીવસૃષ્ટિને સ્પષ્ટ સાલે છે. મેડિકલ સાયન્સ અને મનોવિજ્ઞાન એવું કહે છે કે, જેમ માણસના મૂડમાં થોડા થોડા સમયે ફેરફાર આવે તેમ વર્ષ દરમિયાન પણ તે અબ્દાલાતો રહે અને ખાસ કરીને ચોમાસામાં એટલે કે, જ્યારે સનલાઈટ ઓછું હોય ત્યારે તેની અસર વધારે દેખાય છે. ઋતુનો બદલાવ માણસના મનની ઋતુ પણ ફેરવી નાખે.

      સૂર્યપ્રકાશ ઓછો હોવાને કારણે મગજ અને શરીરની સિસ્ટમમાં ફેરફાર થાય, મગજની અંદર સર્જાતું સિરોટોનીન નામનું કેમિકલ ઘટે એટલે માણસનો મૂડ બગાડે, બેચેની અનુભવાય તેને ક્યાય ગમે નહીં. સૂર્યપ્રકાશ હોય ત્યારે સિરોટોનીન, મેલેટ્રોનનું પ્રમાણ પણ વધારે હોય અને તેથી માણસ મોજમાં રહે. સિરોટોનીન સાથે જ ગાબા કેમિકલ પણ આ મૂડ માટે મહત્વનો ભાગ ભજવે છે અને જો ડોપોમીન કેમિકલનું પ્રમાણ વધે તો માણસને ગુસ્સો આવે. શ્રાવણ માસમાં આપણે ધાર્મિક કાર્યો કરીએ છીએ, ઉપવાસ કરીએ છીએ. શાસ્ત્રો તેના કારણો ધરાવે છે. તબીબીશાસ્ત્ર પણ કહે છે, ‘આ ગાળામાં પાચનશક્તિ શીથીલ થાય, માનસિક સ્થિતિ થોડી વિચલિત થાય.’ હવે આ બે વસ્તુને ભેગી કરીએ તો શ્રાવણ માસમાં શિવની આરાધના યુગોથી થતી આવી છે અને એ બધા જાણે છે કે શિવની ઉપાસના કરવાથી મન શાંત રહે, સ્થિર રહે. કદાચ એટલે જ આ સિઝનલ અફેકટેડ ડીસઓર્ડરની સીઝનમાં આપણે મહિમા ગાઈએ છીએ, શિવ મંદિરે કટાર લગાવીએ છીએ. સાઈક્યાટ્રીસ્ટ આ વાતને આગળ વધારતા એવું પણ કહે છે, ‘ભાદરવામાં આપણે પિતૃ તર્પણ કરીએ છીએ, તેમાં પણ એવું લોજીક હોઈ શકે કે ત્યારે તડકો હોય, અને આ સિઝનમાંથી સીધો જ તડકો શરુ થાય ત્યારે માણસના મૂડમાં અચાનક ફન્ક્ચ્યુએશન આવે અને કોઈ કિસ્સામાં તે ધૂણવા પણ લાગે !

      સાવ આંકડા બેસાડી દેવાની આ વાતો નથી. હવે થોડો મૂડ ચેન્જ કરીએ તો રામગીરી પર્વત પર ઊભેલા પેલા યક્ષને અષાઢના પહેલાં દિવસે પોતાની પ્રિયા યાદ આવી હતી અને તેને વાદળોને કહ્યું હતું, ‘મારી પ્રિયાને કહે જે કે...’ એ કાવ્યનાં સર્જક કાલિદાસ ઋતુ સંહાર નામના કાવ્ય અગિયારમાં શ્લોકમાં કહે છે ‘પયોધરેઈ ભીમગંભીરની સ્વનૈ સ્તડિદ્વીભરુંદ્વેજીતચેતસો યકૃતા પરાધાનપી યોસિત પ્રિયા ન્યરીશ્વજ્ન્તે શયને નિરંતર’ અથો ગંભીર મોટા રવ મેઘના થાકી ભયાકુલા વીજ થાકી ધણેરી તે વિયોગીનીઓ પતિદ્રોહ તે છતાં પ્રગાઢ આલિંગન દેતી સેજને તો આ સમયને ગુલઝાર પણ બરફ પીઘલેગી નામની પોતાની કવિતામાં એવી રીતે વર્ણવે છે, ‘ગૌર સે દેખના બહારોમે પિછલે મોસમ કે ભી નિશા હોગે કૌપલોકી ઉદાસી આંખોમેં આંસુઓ કી નમી બચી હોગી.’

      આ સેડ નામે ઓળખાતી બીમારી છે, મનોસ્થિતિ એક આંતરરાષ્ટ્રીય બીમારી છે. ડૉ.નોર્મન રોસેન્થલ કે પછી હાર્વલ્ડ હેલ્થપ્લસ મેગેઝીનનાં તંત્રી ડૉ.માઈકલ મિલર આ સબ્જેક્ટ પર કામ કરી રહ્યા છે. સૂર્ય પ્રકાશ ઘટવાથી જૂના પ્રસંગો યાદ આવવાની કે પછી માણસને ડિપ્રેશન એટલે કે, કંટાળો, કામમાં અરુચિ, બેચેની, ઊંઘ ઘટી જવી, વજન વધવું વગેરે-વગેરે થાય તેની દવાઓ ઉપરાંત તેમાં લાઈટ થેરેપી કામ કરે છે. માણસને પુરતો પ્રકાશ જો આપવામાં આવે, તેના શરીરને લાઈટ આપવામાં આવે તો તેની સ્થિતિ સુધારી શકે. કારણ કે, મેલેટોનીન નામનું એક તત્વ એવું છે કે જે આંખ દ્વારા આપણા મગજને સ્ટીમ્યુલેશન આપે છે. આ મેલેટોનીન બહારથી આપી ન શકાય. શરીર જ તે બનાવે અને ઊંઘ માટે તે જરૂરી છે. જો કે આપણે ત્યાં તો વર્ષોથી લાઈટ થેરાપી છે. આપણા ઉપનિષદો કહે છે ‘તમસોમાં જ્યોતિર્ગમય’ અંદરથી પ્રગટતી રોશની જ મન, હૃદય અને આત્માને સ્વસ્થ રાખી શકે. આપણા કવિ સંજુ વાળા આકસ્મિત રીતે જ આ ઋતુને પોતાની કવિતામાં વર્ણવે છે. ‘તડકે તડકે મેહ આભ વરસતું કે થીજેલો વારસોનો કોઈ વ્રેહ ? મન વણના અણજાણ્યા કેડે રાગ મદિલતું હવે છેડે કોઈ છલકતી કહે લાગણી કોઈ કહે છે લેહ ! ક્યાંક પરમતી અઢળક શાતા ક્યાંક પ્રજાળે ચેહ.’ બસ આ જ વાત છે. ચોમાસામાં ચેન્જ થતાં મૂડની અને આ વાતને બયાન કરતુ પેલું સરસ મજાનું ગીત તમારા માટે પ્રસ્તુત છે.

જાને કયું સાવન કી ઋતુમે જખ્મ હરે હો જાતે હૈ
શાયદ યૈ બાદલ કે ટુકડી તેરે ગાંવસે આતે હૈ

ભુલીબિસરી બાતે મન હિ મન મે હમ દોહરાતે હૈ
પાયલ બજને કી આવાઝે ધૂલ જાતી હૈ સાંસો મેં
રિમઝિમ રિમઝિમ જબ પાની બરસાતે હૈ
પરબતકી ચોટી પર અપતે આંચલ કો લહેરાતે હૈ
શાયદ યે બાદલ કે ટુકડે તેરે ગાંવ સે આતે હૈ

પ્યાર મહોબ્બત કે અફસાને પગલી કોયલ ક્યા જાને
ફૂંક સે દિલ મે હુંક ઊઠી હૈ, કૂક સે હમ ગભરાતે હૈ
દિલ હમકો બહેલાતા હૈ, હમ દિલકો બહેલાતે હૈ...’


0 comments


Leave comment