19 - સમય – સંહિતા / નયન દેસાઈ


હે મનુષ્યો ! એક કાપાલિકને શમણું આવશે;
આ દિશા કે તે દિશા, ડાબું કે જમણું આવશે.

આંગળીઓ સૂર્યની ખરશે ત્યાં પીડા ઊગશે,
ભીંતનાં હથિયાર લઇ શહેરોનું ટોળું આવશે.

ચીસ પાડી ઊઠશે આકાશની વેરાનિયત
ઝળહળતું હળઝળાતું કૈં ઉગમણું આવશે.

જિંદગી વૃત્તાંત – નિવેદકની ખિસ્સા – ડાયરી,
કેમ ? શા માટે ? કશુંક કોઈ ને કોનું આવશે ?

કાંધ પર વૈતાળ – વૃત્તિ લાગણી લઈ ચાલજો,
માર્ગમાં કાળા રુધિરનું શુષ્ક ઝરણું આવશે.

હર નદી સુકતાનથી રીબાઈ રેતી થઇ જશે,
દૂર સામે પારથી હોડીનું ડૂસકું આવશે.

કાચ-કાચંડા દટાશે કૌરવી ટીંબા તળે,
ઉત્ખનન કરવા પછી કાગળનું હરણું આવશે.

ૐ શાંતિ ૐ શાંતિની ધજા ફાટી જશે,
એક પીળા અશ્વ પર પડછાયા જેવું આવશે.

આટલા શકમંદ સંવત, કો’તિથિ, કો’વાસર,
તે સમય નામે સફરજનનું ઉઠમણું આવશે.0 comments


Leave comment