20 - ધુમાડો – ગઝલ / નયન દેસાઈ


આ વ્યક્તિ, આ ટોળું, આ શબ્દો, ધુમાડો,
આ આંખો, આ દૃશ્યો ને ઊંડી કરાડો.

હા, એકાંત કણસે છે છાતીમાં ઊંડે,
આ હોઠો આ હસવું ને મૂંગો બરાડો.

લે, પડછાયા, ડાઘુ થૈ બેઠા છે ઘરમાં,
આ પગરવ, આ ઉંબર ને ભાંગ્યાં કમાડો.

તો પોતાનું સરનામું મળવાનું ક્યાંથી ?
આ દર્પણ, આ ચહેરા ને ઝાંખા પહાડો.

હું સૂરજનો કોઈ આઠમો અશ્વ છું,
આ રસ્તો, આ ચાબુક ને વાંસો ઉઘાડો.

ને ચપ્પુ તો છાતીમાં ઊતરે, પરંતુ,
આ હાથો, આ હથેળી ને એમાં તિરાડો.

કે તૂટી પડ્યો છે પુરાણો ચબુતરો,
આ શેરી, આ સંધ્યા ને સંભળાય ત્રાડો.0 comments


Leave comment