22 - અ ર ર ર, / નયન દેસાઈ


અ ર ર ર, છાનામાના ઊતરે કાળા ધોળા આળા,
અ ર ર ર, આંખે અંધારાં ને કરવા ખાંખાખોળા.

અ ર ર ર, બાઈજી, એક પગથિયાં પરથી લીલ સરી ગૈ,
અ ર ર ર, ખાલી વાવમાં ઊમટ્યાં પડઘા ટોળેટોળાં.

અ ર ર ર, બાઈજી, છાતી પરથી ભીંતો હડિયું કાઢે,
અ ર ર ર, એકલતા પગરવ થૈ ઊડે છાકમછોળા.

અ ર ર ર, બાઈજી, આંખ મળ્યાના અવસરની કોઈ ઘટના
અ ર ર ર, એના ઉપર પાછા ‘પચ્ચી ચોક-‘ ગપગોળા.

અ ર ર ર, બાઈજી, જમણી આંખે ફરકે ધજા અજાણી,
અ ર ર ર, ડાબી આંખે ઝૂલે શમણાંના હિંડોળા.

અ ર ર ર, બાઈજી, ભીતર ફરકે ત્રીજું લોહીકુંડાળું,
અ ર ર ર, ખટકે ખટાક્ જાણે ખાંપણ પાથરે ખોળા.

અ ર ર ર, બાઈજી, પીળા દાઘે પિયરપંથ વટાવી,
અ ર ર ર, સૂના ઘરમાં ભણકારાના બમ્ બમ્ ભોળા.0 comments


Leave comment