23 - એક ભૌમિતિક ગઝલ / નયન દેસાઈ


લંબચોરસ ઓરડામાં એક સમય ઘૂંટાય છે,
વક્ર રેખાઓ ક્ષણોની શ્વાસમાં છેદાય છે.

શક્યતાનું એક પણ વર્તુળ નથી પૂરું થતું,
હરક્ષણે કંપાસની તીણી અણી ભોંકાય છે.

ચાલ, સંબંધોનું કોઈ કોણ માપક શોધીએ,
કે, હૃદયને કેટલાં અંશો સુધી છેદાય છે.

આરઝૂના કાટખૂણે જિંદગી ખૂટી પડે –
ને પછી એ મોતના બિન્દુ સુધી લંબાય છે.

બે સમાંતર રેખની વચ્ચેનો હું અવકાશ છું,
શૂન્યતાની સાંકળો મારા વડે બંધાય છે.

આ ક્ષિતિજની તે ક્ષિતિજના બંધ દરવાજા થયા,
કોઈ ઈચ્છે તોય અહીંથી બા’ર ક્યાં નીકળાય છે.

ગોળ ફરવા ગ્યો તો અંતે એય વર્તુળ થૈ ગઈ,
કે, હવે પૃથ્વીના છેડા ક્યાંય પણ દેખાય છે ?

યાદ આવે છે ગણિત શિક્ષકના સોટીઓના સોળ
સ્વપ્ન, શ્વાસો ને સંબંધો કોયડા થૈ જાય છે

હસ્તરેખા હોય સીધી, વક્ર કે આડી ઊભી
જિંદગીના આ પ્રમેયો કઈ રીતે હલ થાય છે ?0 comments


Leave comment