25 - સ્વ. રાવજીએ ન લખેલું ગીત / નયન દેસાઈ


નર્સ, મારા ભાગી જતા શ્વાસના ભાતીગળ કાફલાને રોકી શકે તો હવે રોક,
સ્પેશિયલ વોર્ડમાં આ ટકટકતી ઘડિયાળે મૂકવા માંડી છે મરણપોક.

ચારે દિશાએ હાથ મૃત્યુના લંબાવ્યા ધખતી બપોરે મારી પાંખમાં,
પીળાંપચ સ્મરણોનાં વૃંદાવન સળગે છે સૂરજ ઊગેને મારી આંખમાં,
નર્સ, મારા ભૂરા આકાશની લીલીછમ છાંયડીઓ સળગી રહી છે છડેચોક.

પોપચામાં મોરપિચ્છ શમણાંની રાખ બળે, નીંદર આવે તો હવે કેમ ?
મુઠ્ઠીભાર ક્ષણને મેં ખાલીખમ પાંસળીમાં જકડી રાખી છે જેમતેમ,
નર્સ, મારા ગળવા માંડેલાં આ હાડકાંના ઢગલા પર અણિયારા ખીલાઓ ઠોક....

કાલે ઊઠીને નહીં હોઉં તો એ બારસાખે કંકુના થાપાને ભૂંસજો;
ઝૂરતા એ ઉંબરને ‘ઝાઝા જુહાર’ કહી ડેલીની સાંકળને ચૂમજો,
નર્સ, એની આંખોમાં ઊગેલા કંકુના સૂરજનાં અજવાળાં ફોક.....0 comments


Leave comment