30 - દરિયામાં ડૂબી ગયેલી છોકરીનું ગીત / નયન દેસાઈ


દરિયો દરિયો રમતાં આવ્યો સત્તરમો હિલ્લોળ
બગલું આવે ને ઊડી જાય,
તરતાં તરતાં ફૂલને વાગી કેસૂડાંની છોળ
બગલું આવે ને ઊડી જાય.

લીલા લીલા અવસર જળમાં ઢળી ગયા,
દરિયા જેવો દરિયો પાણી ગળી ગયાં,

પરપોટાને વાતની ખાલી અમથી ચોલાચોળ
બગલું આવે ને ઊડી જાય.

વડવાનલને વિનવું ડૂબ્યાં વ્હાણ રે,
ઝમ્મક પાતાળેથી પાછાં આણ રે,

તૂટી પડેલા મીંઢળ જેવો કાંઠો ગાયે ધોળ
બગલું આવે ને ઊડી જાય.

પગની પાનીએથી અળતો સરી ગયો,
એક આખો ને આખો ટહુકો મરી ગયો,

ફાનસના અજવાળે મછવાઓનો કાગારોળ
બગલું આવે ને ઊડી જાય.0 comments


Leave comment