31 - ઠીંગુજીનું ગીત / નયન દેસાઈ


અમુક નામના ઠીંગુજીને તમુક નામના ઠીંગુજીએ લૂટ્યો ભરી બજારે
એના નામે સવા લાખનું ઇનામ કાઢો... !

ગુનો નંબર ૧. એના પગનાં નિશાન સૌએ નીકળ્યાં પોલાં,
એણે આંસુ ચોર્યા કુલ્લે બત્રીસ તોલા
૨. ચાર ફૂટ ને પાંચ ઇંચની એકલતામાં પાડ્યું ખાતર,
સંતાકૂકડી રમતી એણે શેરી ચોરી, ચોર્યું પાદર.

૩. છાતીના સેઈફ વોલ્ટથી સંવેદન એણે તફડાવ્યાં,
અનેક રેખા ભેદી છેડી હથેળીએ વર્તુળ ઉગાડ્યાં.

૪. કૈંક સ્મરણની લૈ પાટલાઘો ફરનામો ઈસમ છે એ,
લાલ નદીમાં લઈ હાડકાં ફરનારો કોઈ માલમ છે એ.

૫. અમુક આશરે સંબંધોનાં તાળાં તોડ્યાં હળવે હળવે,
કહે છે એણે નામ મૂક્યું છે કોઈ બાઈજીને ત્યાં ગિરવે.

૬. સગીર શબ્દોને સંભોગી તરી ગયો છે અખબારી રણ,
પડી જરૂર તો વેચી માર્યો કદી પાળતું પડછાયો પણ.

૭. કરી દાનચોરી શ્વાસોની, હોવાનું કૌભાંડ કર્યું છે,
પકડો એને, એને માથે હીંબકા ભરતું મોત ઠર્યું છે.

ભરી બજારે મળે તો એનું માથું વાઢો...!
એના નામે સવા લાખનું ઈનામ કાઢો...!0 comments


Leave comment