32 - ગામ – ગીત / નયન દેસાઈ


મા, સાંભળ –
કોઈ ગામના તલાટીએ ના કરી મોજણી,
કેટલા એકર પ્રેમ આપણો ?
એક અક્ષરી સંબંધે છાતીમાં ઊગવા માંડ્યું તે,
મેરુ પર્વત પર થયો વામણો.

વાલોડ* જેવું ગામ પછી તો નદી બનીને વહેવા
લાગ્યું કૂણા પગનાં તળિયાં હેઠળ,
વાડામાંથી પાન ખાખરાનાં લઈ આવી લખતાં
શીખ્યો વગડાને સરનામે કાગળ.

શેરીએથી, દેરીએથી, છપ્પામાંથી, કિટ્ટામાંથી
અમે નીકળ્યા દેશવટો લઈ,
થરથરતી છત નીચે હવે કૈં અનાથ પડછાયા ઝૂરે છે
એકલતાનો અમરપટો લઈ... !!

* સૂરત જિલ્લાનું ગામ. મારું વતન.0 comments


Leave comment