33 - હવે તો, મા – ગીત / નયન દેસાઈ


સતત હૃદય કિલ્લા ઉપર સમય નામનો
સેકંડકાટો ભાલા ફેંકે,
શરીર શોધતો મારો ચહેરો અંધકારની
પરકમ્મા કરવા માંડે ભીંતોને ટેકે.

અર્ધ બળેલા ઘુમરાતા દિવસો ઊગે છે
લોહીમાં મારા ડૂબી જતા સૂરજની સાખે,
દરેક જણ છે વેરણ છેરણ ઉજ્જડ રણ ને
દરેક જણ ખિસ્સામાં બળતી લંકા રાખે.

લઈને ગૂંથવા બેઠો છું હું મને તમન્નાઓનો પીળો
દોર પરંતુ ઘેરી લે છે,
કાળી ભમ્મર વિષાદની કૈં અજસ્ત્ર ધારા;
ઉજ્જડ દીવાલ પર લાગેલા પોસ્ટર જેવો બની ગયો છું.

મને હશે પડછાયા મારા
પણ મા, -
તું તો આદિમ ગંધ : આપણું મોરપીંછાનું સગપણ,
રડી શકું તો મારા આંસુ મારી ઘરડી માને અર્પણ...0 comments


Leave comment