16 - કડવું – ૧૫ – / મામેરું / પ્રેમાનંદ ભટ્ટ


કડવું ૧૫ મું. -રાગ મેવાડો.

વડી વહેવાણ રીસાયાં જાણી, લક્ષ્મીજી પાસે આવ્યાંજી;
સારુ ખીરોદક ખાધે મૂકી, ડોસીને સમજાવ્યાંજી.

જે જેકાર થયો મંડપમાં, ગીત ગાય છે રામાજી;
મોસાળું તે મહેતાજીનું, બીજા સર્વે ભામાજી.

પોતે પોતાનાં સગાં તેડ્યાં, જેનો જ્યાં સગવેડજી;
મનવાંછિત પહેરામણી દેખી, માંડી તેડાતેડજી.

ઘેર ઘેર વાત થઈ નાગરમાં, મહેતો કરે મામેરુંજી;
વિચાર કરતી અબળા દોડી, મનમાની સાડી પહેરેજી.

ચાર વરણ સઉ ચરણે ચાલી, આવ્યાં મંડપમાંયજી;
પલવટવાળી શ્રીવનમાળી, તતક્ષણ આવ્યાં ત્યાંયજી.

મહેતાજી ઊભા તાળ વજાડે, ગાય વેરાગી ગીતજી;
વડસાસુ કુંવર વહુને કહે, પહેરામણીની રીતજી.

શ્રીરંગજી ને શામળ મહેતો, પામ્યા ધોળાં શેલાંજી;
હેમજી ખેમજી મહેતાને, દશેક ખાંધે મેલ્યાંજી.

કભાય કોને પામરી પટકા, નામ ન જાયે ગણિયાંજી;
કોને મુગટા કોને પિતાંબર, કોને શેલાં શણિયાંજી.

મગિયાં દોરિયા અસાવળી કોને, શેલાં પટ્ટ સાલજી.
ગુચ્છ પેચ પાઘડીઓ તોરા, દીસે ઝાક ઝમાલજી.

પાયજામા નીમા પછેડી, જામા અવળા બંધજી;
વસ્ત્રતણો તો વરસાદ વરસ્યો, જ્યાં દોશી કરુણાસિંધજી.

બાજુબંધ બેરખા અતિ સુંદર, વેઢ વીટિયો છાપજી;
દુગદુગી માળાને માદળિયાં, આપ્યાં મોતી અમાપજી.

કોને કંદોરા ને કંઠી પહોંચી, કોને સાંકળી માળજી;
કનક કડાં ને કાને કુંડળ, જડાવ ઝીકે ઝમાળજી.

પહેરામણી પુરુષોને પહોંતી, તેડ્યો અબળા સાથજી;
પિયળ કાઢીને ખાધે મૂક્યાં, પટકુળ નાના ભાત્યજી.

ગંગા વહુને ગજીયાણી સાડી, સુંદર વહુને સાળુજી;
ગોરે અંગે સુંદર શોભે, માંહે કાપડું કાળુંજી.

છબીલી વહુને છાયલ ભારે, ભાત્ય તે રાતી ધોળીજી;
કોડ વહુને કલગેર આપી, પ્રેમ વહુને પટોળીજી.

રામકુંવરને કૃષ્ણકુંવરને, આપ્યા ઉત્તમ ઘાટજી;
છેલ વહુને છીંટ જ આપી, નહાની વહુને નાટજી.

પાન વહુ તો પીતાંબર પહેરે, તાકે બચ્ચીબાઇજી;
રુપકુંવરને રાતો સાળુ, દેવકુંવર દરિયાઇજી.

શ્યામકુંવરને સોનેરી સાળુ, ગુણકુંવરને ઘરચોળુંજી;
લક્ષ્મી વહુને, લાછા વહુને, લાલ વહુને પટોળુંજી.

જશમાંદે જશોદા જીવી, જમુના જાનકી વહુવજી;
ચરણા ચોળી ને ઘરસાડી, પહેરી ઊભાં સહુવજી.

માનબાઇ ને વેલ બહુ ને, રંભાવતી ને રૈયાંજી;
જૂનાં કાઢી નવાં પહેરાવ્યાં, હેઠાં મૂકી છૈયાંજી.

છાબની પાસે છબીલો બેઠા, જે જોઇએ તે આપેજી;
મશરુ ગજિયાં ને ગજિયાંણી, ગજ ભરીને કાપેજી.

પાટ પીતાંબર અતલસ અંબર, ચોળે રંગે ચીરજી;
શોભે સુંદર ભાત્ય નવરંગી, પુતળીઓ ને કીરજી.

સાડી જરકશીની ઓઢણી, ચળકે સુંદર જોરજી;
કેસર છાંટ્યા ધોળા સાળુ, ફરતી કસબી કોરજી.

ચંદ્રકળા ને મોરવી શોભે, દરિયાઈમાં દોરજી;
અતલસ પાંચ પટા આભૂષણ, સોના રુપાની મહોરજી.

કોને અકોટી કોને ટોટી, ગળુબંધ બહુ મૂલજી;
કોને ભમરી કોને સેંથો, ત્રસેંથિયાં શીશફૂલજી.

કો મહેતા પાસે માળા માગે, ઉભી કર જોડેજી;
કેટલીએક પોતાનાં બાળક, મહેતા આગળ ઓડેજી.

વલણ.
ઓડે બાળક જણે કંઇ આપે, મનવાંછિત પામ્યાં સહુ;
સાસરિયાંનું મહેણું ટળ્યું, પિયર પનોતી કુંવર વહુ.


0 comments


Leave comment