34 - ખાંભીની કિવદંતી – ગીત / નયન દેસાઈ


હાથ, માછલી, સ્પર્શ અને પાણી ઝંખે દમયંતી રે,
હાય, અમારી જનમકુંડળીમાં કેવી નળયંતી રે.... ?

ખાલી ખોબો, ચપટી ચોખા,
કંકુ, દર્પણ ખાલી ખોખાં,
અલ્લડ ઊગવું એકલતાનું,
હાયવોયનાં ધિગાણા ને ભણકારા છે ખાલી રે,
અમે પડેલી પાદર ઉપર ખાંભીની કિવદંતી રે....

અટકળનાં ઓળા પહેરી લો
મૃગજળનાં ટોળા પહેરી લો,
ફળિયું કેવું ? આંગણ કેવું ?
ફૂટ્યા સમયનું સાંધણ કેવું ?
અરે, આમ તો ભીંતોની વચ્ચેથી નીકળી જાઉં પરંતુ રે,
હોઠ સાંભળે બાંધી દીધા ને મૂંગી પશ્યંતી રે...

છટ્ટકબારી શોધી થાકે,
ને છાતીમાં કાંટો પાકે,
હળવાનું ને મળવાનું ને,
ધીમી આંચે બળવાનું ને;
એક સડકને પુલ સુધી મોકલવાનું ક્યાં છે સહેલું રે,
અમે- તમેના કાંઠા વચ્ચે તદ્ દૂરે તદવર્તન્તિ રે...

હાય, અમારી જનમકુંડળીમાં કેવી નળયંતી રે.... ?


0 comments


Leave comment